હિન્દ ન્યુઝ, વડોદરા
કલેક્ટર કચેરીમાં આજે મળેલી જિલ્લા રોજગાર સલાહકાર સમિતિની બેઠકમાં ડો. અનિલ ધામેલિયાએ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડના પરિણામોને અનુલક્ષીને વ્યાપકપણે કારકીર્દિ માર્ગદર્શન સેમિનાર યોજવા પ્રેરક સૂચન કર્યું છે. જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આવા સેમિનારનું તબક્કાવાર આયોજન કરવા તેમણે સૂચવ્યું છે.
બેઠકના પ્રારંભે જિલ્લા રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણે વિગતો પ્રસ્તુત કરી હતી કે, મે માસથી ડિસેમ્બર – ૨૦૨૫ સુધીના આઠ માસ દરમિયાન વિવિધ સરકારી સંસ્થાઓ દ્વારા ૫૮૨૮૧ લાભાર્થીઓને રોજગાર, રોજગાર સૃજન માટેની લોન, યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. જેને રકમમાં ગણવામાં આવે તો રૂ. ૧૦૫૦૮ લાખ જેટલી સહાય – લોન થાય છે.
આઠ માસના આ સમય ગાળા દરમિયાન શહેર અને જિલ્લાના વિવિધ સ્થળોએ કુલ ૨૮ રોજગાર ભરતી મેળા યોજવામાં આવ્યા હતા. જેમાં ૨૮૩૨૪ રોજગારવાંચ્છુ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા. જે પૈકી ૪૫૨૯ ઉમેદારો રોજગાર મેળામાં હાજર રહ્યા હતા. આ મેળામાં નોકરીદાતા ૨૦૧ સંસ્થાઓ, કંપનીઓ ઉપસ્થિત રહી હતી. જિલ્લા રોજગાર કચેરી દ્વારા ૫ મેળાઓ મહિલાઓ માટે, ૩ પૂર્વ સૈનિકો માટે અને ચાર મેળા દિવ્યાંગ ઉમેદવારો માટે યોજવામાં આવ્યા હતા.
આ ઉપરાંત લશ્કરમાં ભરતી માટે ત્રણ તાલીમ શિબિર યોજવામાં આવી હતી. જેમાં ૯૦ ઉમેદવારોએ ભાગ લીધો હતો. આર્મી ભરતી રેલીમાં ૨૨૭૧ પુરુષ અને ૨૯૪ મહિલાઓએ ભાગ લીધો હતો. વિદેશ રોજગાર સલાહ કેન્દ્ર દ્વારા ૧૩૫ જેટલા સેમિનાર, વેબિનાર યોજવામાં આવ્યા હતા. જેમાં ૧૮૮૭૮ લોકોએ ભાગ લીધો હતો.
કલેક્ટર ડો. ધામેલિયાએ દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા મેળવી તેની સ્કીલનું મેપિંગ કરવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત કોલેજ કક્ષાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના માર્ગદર્શન સેમિનાર યોજવા પણ કહ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
