જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટીમાં યોજાતો પારંપરિક મહાશિવરાત્રીનો મેળો વધુ ભવ્યતા અને દિવ્યતા થાય જેથી જિલ્લા કલેક્ટર દ્વારા અધિકારીને કામગીરી માટે સૂચના આપી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ 

     જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટીમાં યોજાતો પારંપરિક મહાશિવરાત્રીનો મેળો વધુ ભવ્યતા અને દિવ્યતા પ્રાપ્ત કરવા જઈ રહ્યો છે, ત્યારે આજે આ મેળાની વિશેષ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસિયાએ ગિરનાર દરવાજાથી ચાલીને ભવનાથ મંદિર સુધી અને રવેડીના રૂટનું ચાલીને જાત નિરીક્ષણ કર્યું હતું. કલેકટરની સાથે કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, એસ.પી સુબોધ ઓડેદરા, મેળા અધિકારી અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને મેળાની વિવિધ કમિટીના અધ્યક્ષોએ ચાલીને રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને રસ્તામાં જ્યાં જ્યાં ભાવિકોની સગવડતાની વિશેષ આવશ્યકતા હતી ત્યાં સંબંધિત અધિકારીને કામગીરી માટે સૂચના આપી હતી.

      આ રૂટ નિરીક્ષણ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને સાથે રાખીને કરવામાં આવ્યું હતું, મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને કેન્દ્રમાં રાખીને તેમને જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લા કલેક્ટરએ સ્થળ પરથી જ જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. 

    જિલ્લા કલેકટરએ ખાસ મહાશિવરાત્રીના મેળામાં પધારતા શ્રદ્ધાળુઓ માટે પીવાના પાણી, આરોગ્ય, શૌચાલય પાર્કિંગ, પરિવહન સેવા સહિતના મુદ્દે રૂટ નિરીક્ષણ દરમિયાન સ્થળ પરથી જ જરૂરી સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત મહાશિવરાત્રીનો મેળાની જે ભવ્યતા વધવાની છે તેના સંદર્ભમાં સુશોભન લાઇટિંગ વગેરે માટે પણ જિલ્લા કલેકટરએ જરૂરી નિર્દેશ આપ્યા હતા.

    ગિરનાર દરવાજા થી ભવનાથ મંદિર સુધી સમગ્ર મેળાનો વિસ્તાર રહેશે. ૩.૫ કીમી રોડ પર ગિરનાર દરવાજાથી જ ભવનાથ મંદિર સુધી ભાવિકોને લીંબુપાણી છાસ સહિતની સગવડતા મળી રહે તે માટે સંસ્થાઓ સાથે સંકલન કરાશે. રૂટ ઉપર પણ મેળાની ગરિમા મુજબ સુશોભન કરાશે.

      આ રૂટ નિરીક્ષણ બાદ જિલ્લા કલેકટરએ સાધુ સંતો અને પદાધિકારીઓ સાથે પણ બેઠક યોજી હતી, મહાશિવરાત્રી પર્વ આસ્થાભેર અને સુચારુ રીતે યોજાય તે માટે પરામર્શ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને મહાશિવરાત્રી મેળાના પ્રથમ દિવસે સાંજે સાધુ સંતોની ભવનાથ પ્રવેશ દ્વારથી ભવનાથ મંદિર સુધીની યોજાનાર ડમરૂ યાત્રા, મહાઆરતી અને ધર્મસભા ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમને આખરી ઓપ આપવાના સંદર્ભમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. 

     આ બેઠકમાં શ્રી મુક્તાનંદ બાપુ, શ્રી ઇન્દ્ર ભારતી બાપુ, શ્રી શેરનાથ બાપુ, શ્રી ભારદ્વાજજી બાપુ સહિતના સાધુ સંતો ઉપરાંત મેયર ધર્મેશભાઈ પોશિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનન અભાણી, દંડક કલ્પેશ અજવાણી, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, અગ્રણી પુનિતભાઈ શર્મા, અગ્રણી યોગીભાઈ પઢિયાર સહિતના પદાધિકારી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

    જિલ્લા કલેક્ટરના નેતૃત્વમાં ગિરનાર દરવાજાથી રૂટ નિરીક્ષણ શરૂ થયું હતું. જે દરમિયાન દામોદર કુંડ, રામટેકરી સર્કલ, રવેડીનો જે વધારવામાં આવ્યો છે તે નવો રૂટ, મૃગીકુંડ સહિતની જગ્યાના નિરીક્ષણ દરમિયાન ભાવિકોને અગવડતા ન પડે તે માટે પરામર્શ કરવામાં આવ્યો હતો અને સંલગ્ન અધિકારીઓને જરૂરી ફેરફારો કરવા માટે પણ નિર્દેશ આપ્યા હતા.

     મહાશિવરાત્રીના મેળાના રૂટ નિરીક્ષણ અને બેઠકમાં કમિશનર તેજસ પરમાર જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, આસિસ્ટન્ટ કલેકટર સુ વંદના વીણા, આસિસ્ટન્ટ કલેકટર પ્રતીક જૈન, સંયુક્ત માહિતી નિયામક મિતેશ મોડાસિયા,પ્રાંત અધિકારી અને મેળા અધિકારી ચરણ સિંહ ગોહિલ, કે.વી. બાટી સહિતના અધિકારીઓ જોડાયા હતા.

Related posts

Leave a Comment