હિન્દ ન્યુઝ, કામરેજ
કામરેજ તાલુકાના ઘલુડી ગામના પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘સુરક્ષા શક્તિ અને વિદ્યાર્થી જાગૃતિ અભિયાન’ અંતર્ગત જિલ્લાની વિવિધ શાળાઓના ૧૨૦૦થી વધુ વિદ્યાર્થીઓને પોલીસ જવાનોની કામગીરીથી વાકેફ કરાયા હતા. આ અભિયાનનો હેતુ વિદ્યાર્થીઓને પોલીસ વિભાગની કામગીરી, શિસ્ત, સાહસ, દેશસેવા, કાયદાનું પાલન તથા સમાજ પ્રત્યેની જવાબદારી અંગે અવગત કરી પોલીસ પ્રત્યે વિશ્વાસ, સહકાર અને સકારાત્મક દૃષ્ટિકોણ મજબૂત કરવાનો હતો.
સુરત ગ્રામ્ય પોલીસ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં હોર્સ સ્ક્વોડ દ્વારા સ્ટેન્ડિંગ સેલ્યુટ અને ઇન્ડિયન ફાઈલ ટેન્ટ પેગિંગ તેમજ ડોગ સ્ક્વોડ દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સની શોધ, સુરક્ષા તપાસ અને તાલીમપ્રાપ્ત કૌશલ્યોનું શિસ્તબદ્ધ અને સાહસી પ્રદર્શન કરાયું હતું. સાથે જ આતંકવાદી પ્રવૃત્તિઓ, નશીલા પદાર્થો તથા સમાજવિરોધી તત્વો સામે પોલીસ વિભાગ દ્વારા થતી કાર્યવાહી અંગે પણ વિદ્યાર્થીઓને જીવંત ઉદાહરણ વડે માહિતગાર કરાયા હતા. વિવિધ પ્રકારના હથિયારોનું પ્રદર્શન અને તેની વિગતવાર સમજણ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી રહી હતી.
