તામિલનાડુના કોઇમ્બતુર ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સીધી ખેડૂત બેન્ક ખાતામાં ચૂકવવામાં આવી

હિન્દ ન્યુઝ, તમિલનાડુ

     વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તામિલનાડુના કોઇમ્બતુર ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તા પેટે સમગ્ર દેશના 9 કરોડથી વધુ ખેડૂતોને કુલ ₹18,000 કરોડથી વધુની સહાયનું DBTના માધ્યમથી વિતરણ કર્યું હતું, જે અંતર્ગત ગુજરાતના 49.31 લાખથી વધુ ખેડૂત પરિવારોને કુલ ₹986 કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતોને સન્માન સાથે આર્થિક આધાર આપતા આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, કૃષિ રાજ્યમંત્રી રમેશભાઈ કટારા, અન્ય મહાનુભાવો તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ ખેડૂતો સાથે ગાંધીનગર ખાતેથી નિહાળ્યું હતું.

     મુખ્યમંત્રીના વરદ્હસ્તે ગાંધીનગર ખાતે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થી ખેડૂતોને સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે,  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જગતના તાત કહેવાતા ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી, વીજળી, ખેતલક્ષી સુવિધાઓ પહોંચાડી, બીજથી લઈને બજાર સુધીના તમામ તબક્કે ખેડૂતોની પડખે રહીને ખેડૂતોનું કલ્યાણ સુનિશ્ચિત કર્યું છે. તેમણે વડાપ્રધાનની કૃષિહિતકારી નીતિ અને ખેડૂતો પ્રત્યેની સંવેદનાના કારણે રાજ્યના 98% થી વધુ ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કુદરતી આપદાના સમયે ધરતીપુત્રોને શક્ય તમામ સહાય આપવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ સૌને વધુને વધુ વૃક્ષો વાવવા તેમજ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો તેમજ ખેડૂતોના કલ્યાણને કેન્દ્રસ્થાને રાખીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણની નેમ વ્યક્ત કરી હતી.

Related posts

Leave a Comment