જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે બાલાચડી ગ્રામ પંચાયતની મુલાકાત લઈ પંચાયત રેકર્ડની ચકાસણી કરી

હિન્દ ન્યુઝ, જામનગર 

     જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે બાલાચડી ગ્રામ પંચાયતની મુલાકાત લઈ પંચાયત રેકર્ડની ચકાસણી કરી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ ગ્રામજનોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળ્યા હતા તેમજ ગ્રામ પંચાયતના કાર્યભારની સમીક્ષા કરી હતી.

મુલાકાત દરમિયાન કલેક્ટરએ ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેમના રોજગારી, રોડ રસ્તા, તળાવ સહિતના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા. અને ગ્રામજનોને ખાતરી આપી હતી કે આ પ્રશ્નોના નિરાકરણ માટે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત, કલેક્ટરએ ગ્રામ પંચાયતના રેકર્ડની પણ ઝીણવટભરી ચકાસણી કરી હતી. જેમાં e-kyc, આયુષ્માન કાર્ડ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધાઓ, વેરા વસુલાતની કામગીરી, જન્મ મરણ તથા અન્ય દસ્તાવેજ નોંધણી અને ગ્રામ પંચાયતના વિવિધ રજીસ્ટરોની કામગીરી તપાસી હતી. જ્યાં જરૂર જણાઈ ત્યાં તેમણે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી જરૂરી સૂચનાઓ આપી હતી.

કલેક્ટર સાથે આ તકે ધ્રોલ પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે, જોડિયા મામલતદાર ગોહિલ, સરપંચ, તલાટી મંત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment