હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના ખેડૂતોને જણાવવામાં આવે છે કે, એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ રાજ્યમાં ખેડૂતોને આધાર આઈ.ડી. ની જેમ ફાર્મર આઈ.ડી. મળશે. રાજ્યમાં ૧૫ ઓક્ટોબરથી ખેડૂત નોંધણી શરુ કરવામાં આવી છે.
ભારત સરકારે પી.એમ.કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈ.ડી.ની નોંધણી ફરજીયાત કરી છે. જે અનુસાર ૨૫ નવેમ્બર પહેલા પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીએ નોંધણી કરાવવાની થશે.
દરેક ગ્રામ પંચાયતોમાં વેબ પોર્ટલથી નોંધણી થશે અને ખેડૂત જાતે પણ નોંધણી કરી શકશે. રાજ્યના તમામ ખેડૂતોએ ખેડૂત આઈ.ડી.ની નોંધણી ફરજિયાત કરવાની રહેશે. તેમજ ખોટી નોંધણી રદ કરવામાં આવશે.
આ નોંધણીથી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આંગળીના ટેરવે તેની તમામ ખેતીવાડી અને ધિરાણ સંબંધી લાભો સરળ બનશે. ખેડૂતોએ આધાર કાર્ડ , આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર અને ૭-૧૨, ૮-અ વિગત સાથે ગ્રામપંચાયત કચેરીએ VCEનો સંપર્ક કરવા ગીર સોમનાથ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.