હિન્દ ન્યુઝ, ભાવનગર
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક:૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત મંત્રી (તલાટી કમ મંત્રી) ની સ્પર્ધાત્મક લેખિત કસોટી આગામી તા.૦૭/૦૫/૨૦૨૩, રવિવારના રોજ બપોરે ૧૨-૩૦ થી ૦૧-૩૦ કલાક દરમિયાન ભાવનગર જિલ્લામાં ૯૨ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર છે. જેમાં ૮૭૮ વર્ગખંડોમાં કૂલ ૨૬,૩૪૦ ઉમેદવારો આ પરીક્ષામાં ઉપસ્થિત રહેવાના છે.
પરીક્ષાલક્ષી સાહિત્યની સુરક્ષા અને વહીવટી સરળતા ખાતર ભાવનગર જિલ્લામાં ૦૨ ઝોન બનાવવામાં આવેલ છે, જેમાં ભાવનગર શહેરી/ગ્રામ્ય, વલ્લભીપુર અને સિહોર તાલુકા સ્થળનાં વિસ્તારનો સમાવેશ કરેલ છે. રાજ્યકક્ષા તરફથી ફાળવવામાં આવેલ પરીક્ષાલક્ષી ખાનગી સાહિત્ય દરેક ઝોન કક્ષાએ તૈયાર કરવામાં આવેલ સ્ટ્રોંગરૂમમાં સીલબંધ સુરક્ષામાં CCTV ની નિગરાની નીચે રાખવામાં આવનાર છે. દરેક સ્ટ્રોંગરૂમ ઉપર રાઉન્ડ ધ કલોક હથીયારધારી SRP નો બંદોબસ્ત રહેશે.
સ્પર્ધાત્મક પરીક્ષાનાં દિવસે દરેક ઝોનનાં સ્ટ્રોંગરૂમ ઉપરથી પ્રશ્નપત્ર અને ઓ.એમ.આર.નાં સીલબંધ બોક્સ રૂટ સુપરવાઇઝર અને હથિયારધારી ગાર્ડ મારફતે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ માટે ૫૭ રૂટ સુપરવાઇઝર અને મદદનિશની નિમણૂક કરવામાં આવેલ છે.
પરીક્ષા કેન્દ્ર ખાતે સુરક્ષા અને ઉમેદવારોનાં ફ્રીસ્કીંગ માટે ૪ થી ૫ ની સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવનાર છે. દરેક કેન્દ્રો ખાતેનાં દરેક વર્ગખંડોમાં સી.સી.ટી.વી. રાખવામાં આવેલ છે. આ સીસીટીવીનું લાઇવ વ્યુવીંગ કરવા માટે એક CCTV ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવેલ છે તે પરીક્ષા દરમ્યાન દરેક વર્ગખંડોનું સ્ક્રિન ઉપર સતત લાઇવ નિરીક્ષણ કરશે.
દરેક પરીક્ષા કેન્દ્રની સમગ્ર કામગીરી તથા દેખરેખ માટે કેન્દ્ર ઉપર કેન્દ્ર નિયામક અને નિરીક્ષણ માટે બોર્ડ પ્રતિનિધિ (વર્ગ-૧ અને વર્ગ-૨) ની નિમણૂક કરવામાં આવેલ છે. પરીક્ષા કેન્દ્રમાં કોઇપણ ઉમેદવારો, પરીક્ષાલક્ષી સ્ટાફ ને કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધન સાથે પ્રવેશ આપવામાં આવશે નહીં.
જિલ્લાનાં ૯૨ પરીક્ષા કેન્દ્રો ખાતે ૮૭૮ વર્ગખંડોમાં પરીક્ષાની કામગીરી કરવા સુપરવાઇઝર, ઇન્વીજીલેટર અને અન્ય સ્ટાફ મળી કૂલ ૧૨૯૦ કર્મચારી, કેન્દ્ર નિયામક, બોર્ડ પ્રતિનિધિ, CCTV ઓબ્ઝર્વર, રૂટ સ્ટાફ તરીકે ૨૬૮ અધિકારી/કર્મચારી તથા પોલીસ બંદોબસ્તમાં ૫૦૮ મળી કૂલ ૨૦૬૬ અધિકારી / કર્મચારીઓને પરીક્ષાની ફરજ સોંપવામાં આવેલ છે.
નિમણૂક પામેલ તમામ અધિકારી/કર્મચારીઓને મંડળ દ્વારા નિયત કરવામાં આવેલ SOP (Standard Operating Procedure) નું અક્ષરશઃ પાલન થાય તે રીતે પરીક્ષા કામગીરી અને કોઇ ગેરરીતી કે અનિયમિતતા ન રહે તે બાબતે મંડળ દ્વારા તૈયાર કરેલ માસ્ટર ટ્રેનર દ્વારા તા.૦૩/૦૫/૨૦૨૩ નાં રોજ પ્રથમ તાલીમ આપવામાં આવેલ છે તેમજ તા.૦૪/૦૫/૨૦૨૩ નાં રોજ મંડળનાં માન.અધ્યક્ષ દ્વારા BISAG દ્વારા ઓનલાઇન બીજી તાલીમ આપેલ છે. પોલીસ બંદોબસ્તમાં રોકાયેલ પોલીસ અધિકારી/કર્મચારી ગણને પણ માન.અધ્યક્ષ દ્વારા તા.૦૪/૦૫/૨૦૨૩ નાં રોજ તાલીમ આપેલ છે.
પરીક્ષાની સંપુર્ણ કામગીરીમાં મંડળ દ્વારા નિયત કરવામાં આવેલ SOP (Standard Operating Procedure) નું અક્ષરશઃ પાલન થાય અને કોઇ ગેરરીતી કે અનિયમિતતા ન રહે તે માટે જિલ્લા પરીક્ષા સમિતિનાં અધ્યક્ષ કલેક્ટર અને સભ્યો (૧) જિલ્લા વિકાસ અધિકારી (જિલ્લા કો-ઓર્ડીનેટર), (૨) પોલીસ અધિક્ષક, (૩) નિવાસી અધિક કલેકટર અને (૪) જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સમગ્ર કાર્યવાહી ઉપર સતત દેખરેખ રાખવામાં આવનાર છે.
સંપુર્ણ પરીક્ષાનાં સૂચારૂ સંચાલન તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેમાં પરીક્ષા કેન્દ્રોની આસપાસ આવેલા ઝેરોક્ષ/પ્રીન્ટ/ફેકસનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઝેરોક્ષ/પ્રીન્ટ/ફેકસ મશીનો ઉપર પ્રતિબંધ. પરીક્ષા કેન્દ્રોની આસપાસ મોટા અવાજે લાઉડ સ્પિકર કે બેન્ડવાજા વિગેરે ધ્વનિ વર્ધક સાધનોના ઉપયોગ ઉપર પ્રતિબંધ. પરીક્ષા કેન્દ્રમાં મોબાઇલ/સેલ્યુલર ફોન, સ્માર્ટ વોચ તથા કેલકયુલેટર કે કોઇપણ વિજાણુંયંત્ર લઇ જવા ઉપર પ્રતિબંધ. પરીક્ષા કેન્દ્રની આસપાસ ચાર કે તેથી વધુ માણસો એકઠા થવા પર પ્રતિબંધ. તેમજ ૧૦૦ મીટરની ત્રિજયામાં વાહનો પાર્કિંગ કરવા પર પ્રતિબંધ. પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરનો સ્ટાફ કે અધિકૃત વ્યકિત સિવાય કોઇ અનઅધિકૃત વ્યકિતએ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા પર પ્રતિબંધ. પરીક્ષાનાં દિવસે વિજપુરવઠો ખોરવાય નહીં તે માટે પરીક્ષાનાં આગળનાં દિવસ તા.૦૮/૦૪/૨૦૨૩ થી પરીક્ષાનાં દિવસ તા.૦૯/૦૪/૨૦૨૩ નાં રોજ બપોરનાં ૧૪-૩૦ કલાક દરમ્યાન (Digging) કરવા પ્રતિબંધ મુકવા બાબતનું જાહેરનામું. પરીક્ષાનાં સંચાલન સંબંધી આવશ્યક જણાય તે બાબતના જાહેરનામા પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
વધુમાં ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) અધિનિયમ-૨૦૨૩ની કલમ-૧૨ અન્વયે જાહેર પરીક્ષામાં ગેરરીતી આચરનાર ઉમેદવારને અને પરીક્ષામાં અવરોધ કરતી વ્યક્તિને ૩ વર્ષની કેદ અને રૂપિયા એક લાખ થી ઓછા નહીં તેટલા દંઙ પરીક્ષાર્થી સહિત અન્ય વ્યક્તિ ની ગેરરીતિમાં ૫ થી ૧૦ વર્ષની કેદ અને રૂપિયા દશ લાખ થી ઓછા નહીં તેટલા દંડ. સંગઠીત ગેરરીતી વગેરેમાં ૭ થી ૧૦ વર્ષની કેદ અને એક કરોડથી ઓછો નહીં તેટલો દંઙ તથા સ્થાવર જંગમ મિલકત જપ્તી ની જોગવાઈ કરવામાં આવેલ છે.
