રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી ઘઉં, બાજરી, જુવાર, રાગી,મકાઇની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરશે

હિન્દ ન્યુઝ, ભુજ

ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટીંગ સીઝન ૨૦૨૩- ૨૪ માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ઘઉં, બાજરી, જુવાર, રાગી,મકાઇની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવનાર છે.

લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વીસીઇ દ્વારા તા.૦૧/૦૩/૨૦૨૩ થી તા.૩૧/૦૩/૨૦૧૩ સુધી કરવામાં આવશે. તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને આથી જાણ કરવામાં આવે છે.

નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમુનો ૭, ૧૨, ૮-અ ની નકલ, ગામ નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેની તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યમાં ઘઉં પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે.

ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ ઓળખપત્ર સાથે સખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે જેની નોંધ લેશો.

નોંધણી કરાવતી વખતે તમામ ડોકયુમેન્ટ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માંગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ, કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવા વિનંતી છે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોકયુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો ક્રમ રદ થશે અને ખરીદી માટે અરજદારને જાણ નહી કરવામાં આવે તેની ખાસ નોંધ લેવી. નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે એવું ગુ.રા.ના.પુ.નિ.લીના નાયબ જિલ્લા મેનેજરની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment