હિન્દ ન્યૂઝ, મોડાસા
સમગ્ર રાજ્યમાં આજ રોજ ૩૧મી જાન્યુઆરી ૨૦૨૧ના રોજ પોલિયો રસીકરણ અને કોરોના રસીકરણના કાર્યક્રમો યોજાયા. જેમાં અરવલ્લીના મોડાસાના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી પોલિયો અને ફ્રંટલાઈન વર્કરને કોરોના રસીકરણ આપવાની અભિયાનની શરૂઆત જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. અનિલ. ધામેલિયા, જિલ્લા પોલીસ અધિકારી સંજય ખરાતની ઉપસ્થિતિમાં કરાઇ હતી.
રાજ્યમાં આજથી આરંભયેલા પોલિયો રસીકરણ અંતર્ગત અરવલ્લીના મોડાસાના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસી આપવામાં આવી હતી. મોડાસાના ૦ થી ૫ વર્ષના બાળકોની સંખ્યા ૧૧૪૧૯૬ છે. જેઓને પોલિયો રસીકરણ અંતર્ગત આવરી લેવામાં આવશે.
કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની સૂચના મુજબ બીજા તબક્કાની કોરોના વેકસીનેશનની શરૂઆત આજથી કરવામાં આવી હતી. જે મુજબ જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિકારી,ચૂંટણી કમિશનર, પોલીસ અધિકારીઓ, કોરોનાની રસી લીધી હતી. જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું હતું કે, આ વેકશીન લેવાથી કોઈ આડઅસર નથી. સંપૂર્ણ રીતે તંદુરસ્ત અનુભવું છું. આનાથી ડરવાની કે ગભરાવવાની કોઈપણ જરૂર નથી. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાના નિયમોનું પાલન કરવું. સાથે બધાને વેકશીનેશન દરમિયાન રસી લેવાની અપીલ પણ કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારી ડૉ. અનિલ ધામેલિયાએ જણાવ્યું કે, વેકશીનેશનની શરૂઆત થઈ તે દરમિયાન પ્રથમ તબક્કામાં હેલ્થ કેર વર્કર રસી આપવામાં આવી હતી અને બીજા તબક્કામાં ફ્રંટલાઈન વર્કર્સને વેકશીન આપવાની શરૂઆત આજથી કરાઇ હતી. આ વેકશીન સુરક્ષિત અને પ્રભાવી છે. વેકશીનથી કોઈ આડઅસર થઈ નથી. જ્યારે વેકશીન લેવાનો ત્રીજો તબક્કો આવે ત્યારે આપને પણ અવશ્ય રસી લેવી જોઈએ. જેનાથી આપણે પણ સુરક્ષિત થઈએ છીએ અને આપણી સોસાયટી અને આસપાસના લોકોને પણ સુરક્ષિત રાખીએ છીએ.

જિલ્લા પોલીસ અધિકારી સંજય ખરાતે જણાવ્યું કે, આજે ભારત બાયોએટનેકની રસી લીધી હતી. આજથી કોરોના રસીકરણ ટ્રાયલની શરૂઆત થઈ છે. અરવલ્લી જિલ્લાના પોલીસ કર્મચારીઓ અમારી સાથે કોરોના મહામારી સાથે સંકળાયેલા છે. તે લોકો પણ આજ રોજ રસી લઈને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ, જિલ્લા અને તાલુકાના આરોગ્ય કર્મચારીઓ સહિત રસી લેવા આવેલ બાળકો, અને તેમના માતા-પિતા ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : મુન્નાખાન પઠાણ, મોડાસા


