હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લાના ચાકલીયા ખાતે ઐતિહાસિક વારસાને જાળવી રાખવાની સાથે સરહદી વિસ્તારની કાયદો અને વ્યવસ્થાની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી અંગ્રેજોના શાસનકાળ દરમિયાન કાર્યરત રહેલી ઐતિહાસિક પોલીસ ચોકીને ફરી કાર્યરત કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાના હસ્તે આ નવીન હેરિટેજ પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અંગ્રેજોના શાસનકાળમાં કાર્યરત રહેલી અને સમયાંતરે બંધ પડેલી આ ઐતિહાસિક પોલીસ ચોકીને પુનઃજીવિત કરીને ‘ઘુઘરદેવ મહાદેવ પોલીસ ચોકી, ચાકલીયા’ નામ આપવામાં આવ્યું છે. ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ પર વ્યૂહાત્મક રીતે આવેલી આ પોલીસ ચોકી સરહદી વિસ્તારની સુરક્ષા વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
પોલીસ ચોકી ફરી કાર્યરત થવાથી આસપાસનાં 53 ગામોની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂતી મળશે. સરહદી વિસ્તારમાં પોલીસની હાજરી વધવાથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી, અસામાજિક તત્ત્વો પર નિયંત્રણ તથા ગુનાહિત પ્રવૃત્તિઓ પર અસરકારક નજર રાખવામાં મદદરૂપ થશે.
આમ, ચાકલીયાની ઐતિહાસિક પોલીસ ચોકીને પુનઃકાર્યરત કરીને દાહોદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ઐતિહાસિક વારસાના સંરક્ષણ સાથે સરહદી વિસ્તારની સુરક્ષા અને જનસુરક્ષાને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે.
