હિન્દ ન્યુઝ, નવસારી
રાજ્યવ્યાપી ઝુંબેશ અંતર્ગત નવસારી મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં સફાઈ કામગીરી, લુંસીકુઈ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ.
“રાજ્યવ્યાપી સઘન સફાઈ, જળ સંચય અને વૃક્ષારોપણ ઝુંબેશ” અંતર્ગત નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં સઘન સફાઈ તથા વૃક્ષારોપણ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા વોર્ડવાર વિસ્તારોની ફાળવણી કરી નોડલ અધિકારીઓ, સુપરવાઈઝરો તથા સફાઈ કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી હતી.
ખાસ કરીને વડાપ્રધાનના નવસારી આગમન પૂર્વે વોર્ડ નં. ૧ થી ૧૩ના વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના રસ્તાઓ, જાહેર સ્થળો તેમજ આસપાસના વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી હતી. આ અભિયાનમાં તમામ કોર્પોરેટરો તેમજ સમાજના આગેવાનો પણ જોડાઈને સ્વચ્છતા અભિયાનને વેગ આપ્યો હતો.
સમગ્ર અભિયાન દરમિયાન નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય, પ્રાંત અધિકારી તૃપ્તી પટેલ, નાયબ મ્યુનિસિપલ કમિશનરઓ ગૌરાંગ વસાણી તથા જે. યુ. વસાવા સહિત મહાનગરપાલિકાના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ વિવિધ સ્થળોએ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ શહેરમાં ચાલી રહેલી સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરી સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૧થી ૧૩ સુધીના વિસ્તારો માટે નોડલ અધિકારીઓ, સુપરવાઈઝરો અને સફાઈ કર્મચારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી હતી. વોર્ડવાર કામગીરી સોંપવામાં આવતા સમગ્ર સફાઈ અભિયાનનું અસરકારક મોનિટરિંગ અને સંકલન કરવામાં આવ્યું હતું.
સફાઈ અભિયાનની સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ વધુ મજબૂત બને તે હેતુથી લુંસીકુઈ ગ્રાઉન્ડ ખાતે મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય સહિતના મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
વૃક્ષારોપણ દ્વારા શહેરમાં હરિયાળી વધારવા, પર્યાવરણનું જતન કરવા તથા ભાવિ પેઢી માટે સ્વચ્છ અને હરિત નવસારીના નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો હતો. “સ્વચ્છતા સાથે હરિયાળી”ના અભિગમને સાકાર કરવા માટે નાગરિકોની સહભાગિતા સાથે આવા અભિયાનો સતત યોજવા જરૂરી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
