હિન્દ ન્યુઝ, અમદાવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે એક નવી, અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પહેલ ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’નો અમદાવાદ ખાતેથી શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા, શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રીવાબા જાડેજા, શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીએ આ અવસરે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાઈને ઉમદા કામગીરી કરી રહેલ સામાજિક સંસ્થાઓ તેમજ ડ્રોપઆઉટ થયેલા વિધાર્થીઓનો પુનઃપ્રવેશ કરાવનાર શિક્ષકોને સન્માનિત કર્યાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા દરેક બાળક સુધી શિક્ષણ પહોંચાડવાના દ્રઢ સંકલ્પ સાથે પ્રારંભ કરવામાં આવેલ આ અભિયાન અંતર્ગત આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષાના સમરસ વિદ્યા સેતુ સંમેલનોનું આયોજન કરવામાં આવશે. બાળકોના શિક્ષણના અધિકારનું રક્ષણ કરતા આ અભિયાન થકી સ્થળાંતર, રોગચાળો, કપરી આર્થિક પરિસ્થિતિ અથવા અન્ય કોઈ કારણોસર બાળકોનો અભ્યાસ અધવચ્ચે ન છૂટે અને “કોઈ ન રહે પાછળ, વિદ્યા વધારે આગળ”ના સંકલ્પ સાથે દરેક બાળકનું સતત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે અને દરેક બાળક સુધી શિક્ષણની સુવિધા પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. તેમણે આ અભિયાનને રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો શૂન્ય તરફ લઈ જવાના મહત્વપૂર્ણ પ્રયાસ તરીકે ગણાવી, કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સૌએ સંકલ્પબદ્ધ બની સહિયારા પ્રયાસ કરવા અપીલ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ સાથે જ બાળકોના ઉજ્જવળ ભવિષ્યને વેગ આપવા વાલીઓ અને શિક્ષકોને પ્રેરણાત્મક માર્ગદર્શન પૂરું પાડી, શિક્ષિત ગુજરાતથી વિકસિત ગુજરાત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.
