પોરબંદર જિલ્લામાં આગામી ૨૪ કલાકમાં દરિયાકાંઠે ઊંચા મોજાં અને ભારે કરંટને લઈને નાગરિકોને દરિયાકાંઠે ન જવા વહીવટી તંત્રની તાકીદ

હિન્દ ન્યુઝ, પોરબંદર

ભારત સરકારના હવામાન વિભાગની આગાહીને પગલે પોરબંદર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારો માટે આગામી ૨૪ કલાક દરમિયાન દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે અને સાડા ત્રણ (૩.૫) મીટરથી પણ વધુ ઊંચા મોજા ઉછળવાની પ્રબળ સંભાવના જાહેર કરવામાં આવી છે. જે સંદર્ભે પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર એસ. ડી. ધાનાણીએ જિલ્લાના તમામ નાગરિકોને દરિયાકિનારા ન જવા અને સાવચેત રહેવા અપીલ કરી છે.

હવામાન વિભાગની સત્તાવાર માહિતી અનુસાર, આજ રોજ તા.૨ જુલાઈના રાત્રિના ૧૧:૩૦ વાગ્યાથી લઈને આવતીકાલ તા.૩ જુલાઈના રાત્રિના ૧૧:૩૦ વાગ્યા સુધીના ૨૪ કલાક દરમિયાન દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે અને સાડા ત્રણ (૩.૫) મીટરથી પણ વધુ ઊંચા મોજા ઉછળવાની પ્રબળ સંભાવના છે. દરિયાની આ ગંભીર પરિસ્થિતિની સૌથી વધુ અસર ખાસ કરીને વાડિનાર બંદરથી લઈને હર્ષદ બંદર સુધીના વિસ્તારોમાં જોવા મળશે, તેમજ તેની આસપાસના નજીકના અન્ય જિલ્લાઓના દરિયાકાંઠે પણ આવી જ અસરો વર્તાઈ શકે તેમ છે.આ પરિસ્થિતિને ધ્યાને રાખીને પોરબંદર જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીએ નાગરિકોની સુરક્ષા કાજે કડક સૂચના આપતાં જણાવ્યું છે કે, આગામી ૨૪ કલાક દરમિયાન કોઈ પણ વ્યક્તિએ દરિયા કિનારે જવું નહીં. સામાન્ય દિવસોમાં લોકો જ્યાં ફરવા કે અન્ય પ્રવૃત્તિઓ માટે એકઠા થતા હોય છે તેવા તમામ જાણીતા પર્યટન સ્થળો જેવા કે માધવપુર બીચ, પોરબંદર ચોપાટી અને અસ્માવતી ઘાટ સહિતના તમામ દરિયાકાંઠાના સ્થળોથી સંપૂર્ણપણે દૂર રહેવા તાકીદ કરવામાં આવી છે.

વધુમાં, તેમણે નાગરિકોને વિનંતી કરી છે કે જો કોઈ વ્યક્તિ અજાણતા પણ દરિયા તરફ જતી દેખાય, તો તેને અટકાવીને સુરક્ષિત રાખવામાં સહયોગ આપે. લોકોની પોતાની અને તેમના પરિવારની જાનમાલની સલામતી માટે જિલ્લાના તમામ નાગરિકો પૂરો સાથ-સહકાર આપે તેવી વહીવટી તંત્ર વતી નમ્ર અપીલ કરવામાં આવી છે.

Related posts

Leave a Comment