કૃષિ સંશોધન કેન્‍દ્ર, મુવાલિયા ફાર્મ દાહોદ ખાતે વિવિધ ગામોના ૩૧ ખેડૂતોને કોદરા પાકની ગુજરાત કોદરા જાત ૪ જાતનું ખેડૂત દીઠ ૧ કિ.ગ્રા. બિયારણનું વિતરણ કરાયું

હિન્દ ન્યુઝ, દાહોદ 

   દાહોદ જીલ્લાના જુદા જુદા ગામોના ખેડૂત મિત્રો ચોમાસું ઋતુ દરમ્યાન કોદરા પાકનું મોટા ભાગે કઠોળ સાથે મિશ્ર પાક તરીકે વાવેતર કરતા હોય છે. દાહોદ જીલ્લામાં ચોમાસું ઋતુ દરમ્યાન કોદરા પાકનો વ્યાપ અને ઉત્પાદન વધારવા તથા ખેડૂતોની આવકમાં વધારો થાય તે હેતુસર આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધન કેન્‍દ્ર, મુવાલિયા ફાર્મ દાહોદ ખાતે તારીખ: ૦૧/૦૭/૨૦૨૬ નાં રોજ “સ્ટ્રેંધનિંગ એડેપ્ટીવ રીસર્ચ ઇન એગ્રો-ક્લાયમેટીક ઝોન્સ ઓંફ એ.એ.યુ.” યોજના અંતર્ગત ઇટાવા, લીમડાબારા અને કંથાગર ગામના કુલ ૩૧ ખેડૂતોને કોદરા પાકની ગુજરાત કોદરા ૪ જાતનું પ્રતિ ખેડૂત દીઠ ૧ કિ.ગ્રા. આમ કુલ ૩૧ કિ.ગ્રા. બિયારણ વિના મુલ્યે નિર્દર્શન અર્થે આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કૃષિ સંશોધન કેન્‍દ્ર, આ.કૃ.યુ. મુવાલિયા ફાર્મ દાહોદનાં યુનિટ વડા અને સહ સંશોધન વૈજ્ઞાનિકશ્રી ડૉ. એચ. કે. પરમારએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ખેડૂત મિત્રોને આવકાર્યા તથા કેન્દ્ર ખાતે કાર્યરત સંશોધન, વિસ્તરણ અને જુદા-જુદા પાકોના બીજ ઉત્પાદનની વિવધ પ્રવૃત્તિ તેમજ કાર્યક્રમ અંતર્ગત કોદરા પાકની ગુજરાત કોદરા ૪ જાતના વાવેતરથી થતા ફાયદાઓ વિષે ખેડૂતોને વિસ્તૃત માહિતી આપી હતી.

કેન્દ્રનાં મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. મિહિર એમ. પંડ્યા દ્વારા કેન્દ્ર ખાતેથી રાજ્ય કક્ષાએ કોદરા પાકની ગુજરાત કોદરા ૧, ગુજરાત કોદરા ૨, ગુજરાત આણંદ કોદરા ૩, ગુજરાત કોદરા ૪ તથા રાષ્ટ્રીય કક્ષાએ સી.કે.એમ.વી. ૨ અને સી.કે.એમ.વી. ૩ વાવેતર અર્થે ભલામણ કરવામાં આવેલ જાતની વિસ્તૃત લાક્ષણીક્તાઓ વિષે માહિતી આપી હતી. શ્રીમતી. એસ. બી. પારગી, ખેતી અધિકારી એ કોદરા પાક માટે જરૂરી આબોહવા, જમીનની પસંદગી, વાવણી અંતર, વાવણી પદ્ધતિ અને બીજ દર વિષે ખેડૂતોને ધ્યાનમાં રાખવા જેવી જરૂરી બાબતો વિષે માર્ગદર્શન આપ્યું હતું. ખેતી અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી કે. એલ. પારગી દ્વારા કોદરા પાકમાં વધુ ઉત્પાદન મેળવવા માટે ખાતર અને પિયત વ્યવસ્થાપન વિષે ખેડૂતોને અવગત કરવામાં આવ્યા હતા.

ગુજરાત કોદરા ૪ જાત પર્વતીય વિસ્તાર માટે વધુ અનુકુળ, ઢળી પડતી નથી, પ્રોટીન અને મિનરલ જેવા પોષકતત્વો વધુ માત્રામાં હોય છે. આ જાત ચોમાસું ઋતુમાં વાવેતર કરવા માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા ધરાવતી તથા આંજીયાના રોગ અને સાઠા માખી જીવાત સામે પ્રતિકારકશક્તિ ધરાવતી હોવાથી ખેડૂતો માટે આર્થિક રીતે લાભદાયી થશે. એડેપ્ટીવ ટ્રાયલ યોજના દ્વારા ખેડૂત મિત્રોને પોતાના વિસ્તારમાં ગુજરાત કોદરા ૪ જાતની ઉત્પાદન ક્ષમતા અનુભવવાની તક મળશે. કાર્યક્રમના અંતમાં ખેડૂત મિત્રોને કેન્દ્રના સ્ટાફ દ્વારા કોદરા પાકની ગુજરાત કોદરા ૪ જાતનું બિયારણ વિતરણ કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment