૧ જુલાઈ – “ડોક્ટર્સ ડે” ડૉક્ટર્સ ડે નિમિત્તે IMA દાહોદ દ્વારા આરોગ્ય જાગૃતિ અને પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે યોજાઈ સાયકલ રેલી

હિન્દ ન્યુઝ, દાહોદ

    રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA), દાહોદ દ્વારા ” આરોગ્ય જાગૃતિ, રકતદાન મહાદાન, બેટી બચાઓ બેટી પઢાઓ, ઇંધણ બચાવો – સ્ટોપ રેગિંગ, સ્ટોપ અટેક અગેનસ્ટ ડૉક્ટર, ઓર્ગન ડોનેશન, પર્યાવરણ બચાવો ” ના સંદેશ સાથે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાયકલ રેલીને દાહોદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદયકુમાર ટીલાવતના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રેલી ઇન્ડિયન રેડ ક્રોસ ભવનથી પ્રસ્થાન કરી ગોવિંદનગર, પડાવ, નગરપાલિકા, ભગિની સમાજ, ગોધરા રોડ, પરેલ, બસ સ્ટેશન અને સર્કિટ હાઉસ માર્ગે ફરી ઇન્ડિયન રેડ ક્રોસ ભવન ખાતે આવી પૂર્ણ થઈ હતી. રેલીમાં જિલ્લાના મોટી સંખ્યામાં ડૉક્ટર મિત્રો તેમજ IMA ના પ્રમુખ ડૉ. નીલેશ સૂર્યવંશી, ઉપપ્રમુખ ડૉ. શિવાની ચૌધરી, સેક્રેટરી ડૉ. હિરેન ભાભોર, જોઈન્ટ સેક્રેટરી ડૉ. પાર્થ દેસાઈ, ટ્રેઝરર ડૉ. હાર્દિક ભોકણ, ડૉ. મીત શાહ સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

રેલી દરમિયાન નિયમિત કસરત, સાયકલ ચલાવવાના આરોગ્યલક્ષી લાભો, સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની જરૂરિયાત, ઇંધણની બચત તેમજ પર્યાવરણના સંરક્ષણ અંગે જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી એ જિલ્લાના તમામ ડૉક્ટર મિત્રોને અપીલ કરી હતી કે, દરરોજ થોડો સમય પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ફાળવે, નિયમિત યોગ અને કસરતને જીવનનો અભિન્ન ભાગ બનાવે તેમજ સ્વસ્થ રહી સમાજને નિરોગી બનાવવાના પોતાના સેવાયજ્ઞને વધુ સશક્ત બનાવે. 

આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદયકુમાર ટીલાવતે સમાજને સંબોધતા જણાવ્યું હતું કે, નિયમિત કસરત, સંતુલિત આહાર, સમયસર આરોગ્ય તપાસ અને જરૂરી રસીકરણ દ્વારા અનેક ગંભીર બીમારીઓથી બચી શકાય છે. ડૉક્ટર માત્ર બીમારીની સારવાર જ કરતા નથી, પરંતુ સમાજને સ્વસ્થ અને નિરોગી બનાવવા માટે સતત કાર્યરત રહે છે. તેમણે નાગરિકોને અનાવશ્યક દવાઓના ઉપયોગથી દૂર રહેવા, તબીબની સલાહ મુજબ જ સારવાર લેવા તેમજ આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવાની અપીલ કરી હતી. 

ડૉક્ટર્સ ડેના અવસરે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આપવામાં આવેલો આ જનજાગૃતિનો સંદેશ સમાજ માટે પ્રેરણાદાયી અને આરોગ્યપ્રદ જીવન તરફ દોરી જનાર હોવાનું ઉપસ્થિત સૌએ બિરદાવ્યું. ડૉક્ટર્સ ડે નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા, પર્યાવરણનું સંરક્ષણ કરવા, પ્રદૂષણ ઘટાડવા અને હરિયાળા, સ્વચ્છ સમાજના નિર્માણ માટે સૌએ પોતાનો સક્રિય સહભાગ આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Related posts

Leave a Comment