સ્થાનિક સ્વરાજની ચૂંટણી – ૨૦૨૬
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી-૨૦૨૬ અન્વયે મતદારોમાં જાગૃતિ લાવવા અને મતદાનની ટકાવારી વધારવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સ્વીપ’ (SVEEP) પ્રવૃત્તિઓ વેગીલી બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે બોડેલી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગાર્ગી જૈનના પ્રેરક માર્ગદર્શન હેઠળ સાયકલ રેલી અને પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ જનજાગૃતિ અભિયાનમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યા બાદ શાળાના વિદ્યાર્થીઓ સાથે સાયકલ રેલી અને પદયાત્રામાં જોડાઈને નાગરિકોને મતદાનનો સંદેશ આપ્યો હતો. આ રેલી બોડેલી તાલુકા સેવા સદન થી અલીરાજપુર ચોકડી સુધીના મુખ્ય માર્ગો પર ફરીને સમગ્ર નગરમાં આકર્ષણ જમાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને હૃદયસ્પર્શી અપીલ કરતા જણાવ્યું હતું કે, ” નવરચિત બોડેલી નગરપાલિકાની આ પ્રથમ ઐતિહાસિક ચૂંટણી છે. હું તમામ નાગરિકોને, ખાસ કરીને યુવા અને મહિલા મતદારોને વિનંતી કરું છું કે છોટાઉદેપુર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મતદાન જરૂર કરો.
સ્વીપ (SVEEP) નોડલ અધિકારી આનંદકુમાર પરમારના સંકલન હેઠળ યોજાયેલી આ રેલીમાં વિદ્યાર્થીઓએ હાથમાં પ્લેકાર્ડ્સ અને સૂત્રો દ્વારા ‘પહેલા મતદાન, પછી બીજું કામ’નો સંદેશ ગુંજવ્યો હતો. નવરચિત બોડેલી નગરપાલિકામાં પ્રથમવાર ચૂંટણી યોજાતી હોવાથી વહીવટી તંત્ર દ્વારા મતદારોને મતદાન મથક સુધી લાવવા માટે વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
