હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ જિલ્લામાં આગામી તા. ૧૯/૦૪/૨૦૨૬, રવિવારના રોજ ‘અખાત્રીજ’ (અક્ષય તૃતીયા)ના પવિત્ર અવસરે મોટા પાયે લગ્નોનું આયોજન થનાર છે. આ લગ્નસરાની મોસમમાં જિલ્લામાં એક પણ બાળલગ્ન ન થાય તે સુનિશ્ચિત કરવા તંત્ર દ્વારા “બાળલગ્ન મુક્ત આણંદ અભિયાન” અંતર્ગત વિશેષ સજાગતા રાખવામાં આવી રહી છે. બાળલગ્ન પ્રતિબંધક અધિકારી-સહ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયંક ત્રિવેદીએ સ્પષ્ટ જણાવ્યું છે કે, બાળલગ્નમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા તમામ શખ્સો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ, ૨૧ વર્ષથી નીચેનો યુવક અને ૧૮ વર્ષથી નીચેની યુવતીના લગ્ન કરવા કે કરાવવા તે ગંભીર ગુનો છે. આ ગુનો સાબિત થયેથી જવાબદારોને ૨ વર્ષની જેલ અને રૂ. ૧ લાખ સુધીના દંડની સજા થઈ શકે છે. આ ગુનો બિનજામીનપાત્ર છે. સમૂહ લગ્નના આયોજકો, વર-કન્યાના માતા-પિતા કે લગ્ન કરાવનાર અન્ય કોઈપણ વ્યક્તિ જો આ પ્રક્રિયામાં મદદગારી કરતા ઝડપાશે, તો તેમની સામે પણ કાયદેસરના પગલા લેવામાં આવશે. લગ્ન નક્કી કરતા પૂર્વે જ વર-કન્યાની ઉંમરની ખરાઈ કરી લેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
અખાત્રીજના દિવસે સંભવિત બાળલગ્નો અટકાવવા માટે તંત્ર દ્વારા ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, અધિકારીઓ અને કર્મચારીઓની બે વિશેષ ટીમો બનાવવામાં આવી છે, જે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સીધું નિરીક્ષણ કરશે. જો કોઈ ગામ, મહોલ્લા કે વિસ્તારમાં બાળલગ્ન થતા હોય તો નાગરિકો તુરંત જાણ કરી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લગ્ન અટકાવવાથી થતા આર્થિક નુકસાન અને પ્રતિષ્ઠાને થતી હાનિથી બચવા વય મર્યાદાનું ચુસ્ત પાલન કરે તેવી તંત્ર દ્વારા સમૂહ લગ્નના આયોજકોને પણ સૂચના અપાઈ છે.
કોઈપણ જાગૃત નાગરિક જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના ફોન નંબર ૦૨૬૯૨–૨૫૩૨૧૦ ઉપર, જિલ્લા બાળસુરક્ષા એકમને ૦૨૬૯૨ – ૨૫૦૯૧૦ ઉપર, ચાઇલ્ડ હેલ્પલાઇનને ૧૦૯૮ નંબર ઉપર, અભયમ હેલ્પલાઇનને ૧૮૧ અને પોલીસ હેલ્પલાઇનના ૧૧૨ નંબર ઉપર સંપર્ક કરી બાળલગ્નની માહિતી આપી શકે છે, જેની ઓળખ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે તેમ બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, આણંદ દ્વારા એક યાદીમાં જણાવાયુ છે.
