હિન્દ ન્યુઝ, બારડોલી
બારડોલીના સિનીયર સીટીઝન ક્લબ હોલ ખાતે ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ યોજના અંતર્ગત ‘બાલિકા પંચાયતના’ તાલીમ મોડ્યુલ માટે પ્રશિક્ષકોની ત્રિ-દિવસીય તાલીમનો શુભારંભ કરાયો છે.
સુરતની મહિલા અને બાળ અધિકારી કચેરી, ICDS શાખા અને આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ તાલીમ અંતર્ગત ૬૮ જેટલી મુખ્ય સેવિકાઓને સ્પર્ધા અને રમત-ગમતના માધ્યમથી વિવિધ વિષયો અંગે તાલીમ આપવામાં આવશે. જેમાં બાલિકા પંચાયતમાં સમાવિષ્ટ યુવા કિશોરીઓને કિશોરાવસ્થામાં આવતા પડકારો અને બદલાવ, જીવનકૌશલ્ય, બાળલગ્ન, ગર્ભપરીક્ષણ તેમજ જાતિગત ભેદભાવો સહિતની સમસ્યાઓ અંગે યોગ્ય શિક્ષણ પૂરું પાડવાની તાલીમ અપાશે.
આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારીશ્રી આર.એન.ગામીત, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી ડી.પી.વસાવા, ફિલ્ડ ઓફિસરશ્રી વિક્રમભાઈ પટેલ, વિવિધ વિભાગોના અધિકારી/કર્મચારીઓ, પૂર્ણા કન્સલ્ટન્ટ સહિત મુખ્યસેવીકા બહેનો હાજર રહ્યા હતા.
બાલિકા પંચાયત એટલે શું?
‘બાલિકા પંચાયત’ એ ૧૦ થી ૨૧ વર્ષની કિશોરીઓ અને યુવતીઓ દ્વારા સંચાલિત એક એવો મંચ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ સ્તરે કન્યાઓનું નેતૃત્વ વિકસાવવું અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે.
બાલિકા પંચાયતનો મુખ્ય હેતુ
રાજ્યના છેવાડાના ગામની યુવા દીકરીઓને વિવિધ વિષયો અંગે પ્રશિક્ષિત કરી તેમનામાં નેતૃત્વના ગુણો વિકસાવવા, લોકશાહીની પ્રક્રિયાથી માહિતગાર કરવા અને સામાજિક પ્રશ્નો ઉકેલવા સક્ષમ બનાવવાનો મુખ્ય હેતુ છે.
તાલીમના મુખ્ય વિષયો
બાલિકા પંચાયત દ્વારા કિશોરીઓને માત્ર રાજકારણ જ નહીં, પરંતુ જીવનના મહત્વના પાસાઓ વિશે પણ જાગૃત કરવામાં આવે છે. જેમ કે,
• પોષણ અને આરોગ્ય:એનીમિયા અને કિશોરાવસ્થામાં થતાં શાહ્રીરિક ફેરફારો
• સામાજિક જાગૃતિ: જાતિગત ભેદભાવ, બાલ્કાગ્ન અને સ્ત્રીભુણ સામે લડત.
• કાયદાકીય જ્ઞાન: બાળ અધિકારો, સુરક્ષા અને સંરક્ષણના કાયદા.
• વહીવટી સમજ: પંચાયતી રાજની કયું પદ્ધતિ અને નિર્ણય લેવાની ક્ષમતા

