તા. ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ડાંગ જિલ્લાના ૨૭ ગામોમા ફરશે ‘વિકાસ રથ’

હિન્દ ન્યુઝ, ડાંગ

     ‘નાગરિક પ્રથમ અભિગમ’ અને લોકાભિમુખ તથા સક્રિય શાસનની પ્રતિબદ્ધતા સાથે પ્રતિવર્ષ યોજાતા ‘વિકાસ સપ્તાહ’ નો રાજ્ય સમસ્તની જેમ, ડાંગ જિલ્લામા પણ તા. ૭મી ઓક્ટોબરથી પ્રારંભ થશે.

‘વિકાસ સપ્તાહ’ દરમિયાન ‘વિકાસ રથ’ના સથવારે ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓના ૨૭ ગામોમા, જુદા જુદા પદાધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે તા.૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન થીમબેઝ કાર્યક્રમો યોજાશે. 

દરમિયાન ઠેર ઠેર સરકારી યોજનાઓના વ્યાપક પ્રચાર-પ્રસાર સાથે, ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમોનુ પણ મોટે પાયે આયોજન કરાશે.

ડાંગ જિલ્લાના કલેક્ટર સુ શાલિની દુહાન તથા જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.વસાવાના વડાપણ હેઠળ જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો, પશુપાલકો માટેના કાર્યક્રમો, મહિલા અને બાળ વિકાસ વિભાગ સહિત આરોગ્યલક્ષી કાર્યક્રમો, વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓ સહિત ‘સામૂહિક સ્વચ્છતા શપથ’ અને ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ પણ લેવાશે.

ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘડી કઢાયેલા એક્શન પ્લાન અનુસાર ‘વિકાસ સપ્તાહ’ના પહેલા દિવસે એટલે કે તા. ૭ મી ઓક્ટોબરે ‘યુવા સશક્તિકરણ દિવસ’, બીજા દિવસે ‘રોજગાર મેળો’, ત્રીજા દિવસે ‘પોષણ દિવસ’, ચોથા દિવસે ઉદ્યોગ સાહસિકતા દિવસ, પાંચમા દિવસે ‘ગ્રામ વિકાસ દિવસ’, છઠ્ઠા દિવસે ‘શહેરી વિકાસ દિવસ’, સાતમા દિવસે ‘કૃષિ દિવસ’ અને સપ્તાહના અંતિમ દિવસે ‘વિકાસ દિવસ’ ની થીમ આધારિત કાર્યક્રમોનુ આયોજન કરાયુ છે.  

પ્રજાજનોમા નવો ઉત્સાહ જગાવતા ‘વિકાસ રથ’ ના સથવારે આયોજિત ‘વિકાસ સપ્તાહ’ નો પ્રારંભ, વઘઈ તાલુકાના ચિંચીનાગાવઠા ગામેથી સવારના ૧૦ વાગ્યે કરાશે. જ્યાંથી આ ‘રથ’ બપોરે ૩ થી ૫ વાગ્યા દરમિયાન ડુંગરડા, અને રાત્રે ૮ થી ૧૦ વાગ્યા દરમિયાન ઝાવડા મુકામે પહોંચી ‘વિકાસ સંદેશ’ પહોંચાડશે.

તે જ રીતે બીજા દિવસે આ ‘રથ’ નિયત સમયે ભેંસકાતરી, કાલીબેલ, અને રંભાસ ખાતે પહોંચશે. તો ત્રીજા દિવસે સાકરપાતળ, શિવારીમાળ અને નડગચોંડ ગામે પહોંચશે. કાર્યક્રમના ચોથા દિવસે આ ‘વિકાસ રથ’ આહવા તાલુકામા પ્રવેશી શામગહાન, માલેગામ, અને વિહિરઆંબા ગામે ‘વિકાસનો સંદેશ’ પહોંચાડશે. જ્યારે પાંચમા દિવસે ગલકુંડ, પાયરપાડા, અને બોરખલ, છઠ્ઠા દિવસે ગાઢવી, પીંપરી, અને ધૂળચોંડ, સાતમા દિવસે આહવા, ધવલીદોડ અને મોરઝીરા, આઠમા દિવસે આ ‘રથ’ સુબિર તાલુકાના ગારખડી, જુન્નેર અને શિંગાણા, તથા સપ્તાહના અંતિમ દિવસે એટલે કે તા.૧૫ મી ઓક્ટોબરે સુબિર, કડમાળ, અને મહાલ ખાતે કાર્યક્રમો યોજાશે. 

Related posts

Leave a Comment