હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર રાજ્યમાં અત્યારે જળસંચય માટેના સ્ત્રોતોને પુનઃજીવીત કરવા માટે ‘કેચ ધ રેઈન’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય અને પાણીના સ્તર ઊંચા આવે તે માટે નદી-નાળા, કાંસને ઊંડા કરવા તથા તેની સફાઈ કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આજે પ્રેસ વાર્તાલાપમાં જિલ્લામાં જળસંચય પ્રત્યે લોકોની સંવેદનશીલતા અને સહભાગીતા વધે અને આપણા કુદરતી સ્ત્રોતોનો વધુ સારો ઉપયોગ કરી શકાય તેના ભાગરૂપે જિલ્લાની દેવકા નદીને પુનઃજીવીત કરવા માટેનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયું છે, જે અંતર્ગત આવતીકાલે વેરાવળ તાલુકાના છાપરી ખાતેથી આ બાઈક રેલી પ્રસ્થાન કરશે અને ઈન્ડિયન રેયોન પાસે જ્યાં દેવકી નદી દરિયાને મળે છે, ત્યાં પૂર્ણાહૂતિ કરશે.
આ રેલીના પ્રસ્થાન અવસરે સંસદસભ્ય, ધારાસભ્ય, જિલ્લાના પદાધિકારીઓ, ગણમાન્ય નાગરિકો પણ જોડાવાના છે, ત્યારે જિલ્લાના નાગરિકો, સેવાભાવી સંસ્થાઓ પણ આ રેલીમાં સ્વયંભૂ રીતે જોડાય તે માટે કલેકટરએ જિલ્લાના નાગરિકોને અપીલ કરી હતી.
કલેક્ટરએ આ સંદર્ભમાં જણાવ્યું કે, દેવકા નદીમાં વચ્ચે આવતા અવરોધો અને ઝાડી-ઝાંખરાના કારણે દેવકા નદીનો પાણીનો પ્રવાહ અવરોધાય છે, ત્યારે જિલ્લામાં દસ કિલોમીટરમાં વહેતી આ નદીમાંથી બીનજરૂરી કચરો દૂર કરવો, નદીને ઊંડી કરવી, નદીના પ્રવાહને અવરોધરૂપ દબાણો દૂર કરવા સહિતની કામગીરી કરવામાં આવશે.
સદ્ભાવના સંસ્થાના સહયોગથી આ નદીના કિનારે વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. જે ગામોમાં નદી કિનારે જગ્યા ઉપલબ્ધ છે, ત્યાં બગીચાનું નિર્માણ અને બાંકડાઓ મૂકીને કુદરતી સૌંદર્યને માણી શકાય તેવા પર્યટન સ્પોટ ઉભા કરી શકાય તેવું આયોજન પણ આ અભિયાન અંતર્ગત કરવામાં આવ્યું છે.
કલેક્ટરએ વધુમાં જણાવ્યું કે, પાણી એ પ્રભુનો પ્રસાદ છે, ત્યારે આ પ્રસાદનો આપણે મહત્તમ ઉપયોગ કરી તેનો લાભ લઈ શકીએ અને આપણી આગામી પેઢીને પણ તેનો લાભ મળે તેવું દુરોગામી આયોજન કરવું આજના સમયની માંગ છે. તેને ધ્યાનમાં રાખીને જિલ્લાના નાગરિકોમાં જળસંચય પ્રત્યે જાગૃતિ વધે અને વધુને વધુ લોકો આ પ્રકારના કાર્યોમાં સહભાગી થાય એ માટે આ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રેસવાર્તાલાપ અવસરે નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા પુરવઠા અધિકારી પારસ વાંદા, પ્રાંત અધિકારી વિનોદ જોશી સહિત ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
