ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ: તા.૨૨મી ડિસેમ્બર સુધી બીચ ફેસ્ટિવલ માણવાની તક

હિન્દ ન્યુઝ, સુરત 

દરિયાકિનારાના પ્રવાસન સ્થળો, વિવિધ બીચ પર પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તા.૨૦ થી ૨૨મી ડિસેમ્બર દરમિયાન આયોજિત ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખૂલ્લો મૂકાયો હતો. આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ, સાંસદ સર્વ મુકેશભાઈ દલાલ, પ્રભુભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આપણું રાજ્ય કુદરતી સંપદાઓથી ભરેલું છે. ગુજરાત પાસે સૌથી લાંબો ૧૬૦૦ કિલોમીટર દરિયાકાંઠો છે.

વર્તમાન સમયમાં આ દરિયાકિનારાને રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા માટે રાજ્ય સરકાર કાર્યરત છે, એટલું જ નહીં, કુદરતી સુંદરતાથી ભરપૂર અનેક નાના નાના બીચોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. ગૃહમંત્રીશ્રીએ કહ્યું કે, સ્વસહાય જૂથો, સખીમંડળની બહેનો પોતાની હસ્તકલા, ગૃહઉદ્યોગની ચીજવસ્તુઓ વેચીને આજીવિકા મેળવી શકે એ માટે આગામી દિવસોમાં પાકી દુકાનો, સ્થાયી સ્ટોલ્સ ઉભા કરવામાં આવશે. ખારા પાણીમાંથી પીવાના મીઠા પાણીના ફિલ્ટર પ્લાન્ટ માટે રૂ.૧ કરોડ હજીરા નોટીફાઈડ એરિયાના ભંડોળમાંથી ફાળવવામાં આવ્યા છે. આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, વર્ષોથી આ વિસ્તારના લોકોની રજૂઆતોને ધ્યાને લઈને રાજ્ય સરકારે કરોડોના ખર્ચે સુવાલી બીચને પ્રવાસનધામ તરીકે વિકસાવવાનું બીડું ઝડપ્યું છે. સુરત સહિત સ્થાનિક લોકો માટે રોજગારીનું આગવું કેન્દ્ર તેમજ હરવા ફરવાના શોખીનોને વધુ એક પ્રવાસન સ્થળ તરીકે સુવાલી બીચ લોકપ્રિય બની રહ્યો છે.

વનમંત્રીએ કહ્યું કે, સુવાલીના દરિયાકિનારે લોકો આવીને સૌદર્યનો લહાવો લઈ શકે તે માટે હાલ રૂ. ૨૮ કરોડના ખર્ચે રોડ રસ્તા, વીજળી, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ દ્વારા બીચને ડેવલપ કરવા માટે સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં પીપીપી ધોરણે એડવેન્ચર પાર્ક બને તેવું આયોજન હોવાનું જણાવી ડભારી દરિયા કિનારાને ડેવલપ કરવા રૂ.૧૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા હોવાની વિગતો આપી હતી. વનમંત્રીએ ઉમેર્યું કે, એક સમયે ગોઝારો ગણાતો બીચ આજે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સુવાલી દરિયામાં અકસ્માત સર્જતી ટેકરી કુદરતી રીતે ડિમોલિશ થઈ ગઈ છે એમ જણાવી આ બીચના સ્થળે અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે સહેલાણીઓ દરિયામાં ન્હાવા ન જવા અને જોખમ ન ખેડવા તેમજ જરૂરી સાવધાની કેળવવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ચોર્યાસીના ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું કે, શહેરની વસ્તી અને તેમની પ્રવાસન સુવિધાઓ વધે એ બાબતને ધ્યાને લઈને સુવાલી બીચના વિકાસ માટે રાજય સરકારે રૂ.૫૦ કરોડની માતબર ફાળવણી કરી છે. બીચ સુધી આવવા માટે ૧૦ મીટર પહોળા રસ્તાનું નિર્માણ તથા રૂ.૪.૭૧ કરોડના ખર્ચે રેસ્ટ હાઉસ નિર્માણ પામશે. બીચનો વિકાસ થવાથી આસપાસના ગામોના લોકો માટે રોજગારીનું સર્જન થશે. નોંધનીય છે કે, સુરત નજીક આવેલો સુવાલી બીચ એ કુદરતી સૌંદર્ય, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને વિવિધતાથી ભરેલો બીચ છે. અહીંની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી છે. સુવાલીમાં મિની ગોવાની ઝલક મળે છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ, ધારાસભ્ય સર્વશ્રી અરવિંદ રાણા, મનુ પટેલ, મોહનભાઈ ઢોડિયા, મેયર દક્ષેશ માવાણી, પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ, પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, મનપા, જિલ્લા વહીવટી તંત્ર અને પ્રવાસનના અધિકારીઓ અને ગ્રામજનો, મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment