હિન્દ ન્યુઝ, કપરાડા
તારીખ ૦૫/૧૧/૨૦૨૬ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માંડવા ગામે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ભાતની પુળી ભરીને જઈ રહેલી એક પિકઅપ ગાડીના ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા વાહન અનિયંત્રિત થઈને રસ્તાની બાજુમાં આવેલા એક મોટા ઝાડ સાથે જોરભેર અથડાયું હતું.
આ ભીષણ અકસ્માતમાં પિકઅપ ગાડીના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે વાહનના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું.
ઘટનાની જાણ થતા જ આસપાસના સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
આ અકસ્માતના પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
રિપોર્ટર : મિતેશ વળવી, કપરાડા
