હિન્દ ન્યુઝ, ડાંગ
દિવાળી તથા અન્ય તહેવારો દરમિયાન ફટાકડાં ફોડતી વખતે આગના બનાવો, અકસ્માતો, ધ્વનિ અને વાયુ પ્રદૂષણને અટકાવવા તેમજ જાહેર જનતાની સલામતી જળવાઈ રહે તે હેતુથી ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફટાકડાંના વેચાણ, સંગ્રહ અને ઉપયોગ અંગે જરૂરી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એચ.એમ. જણકાટ (જી.એ.એસ.) દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર, સમગ્ર ડાંગ જિલ્લામાં નીચે મુજબના નિયમોનું પાલન કરવાનું રહેશે.
જાહેર જનતાએ નીચેની સૂચનાઓનું પાલન કરવું:
1. દિવાળીના તહેવાર દરમિયાન રાત્રે ૦૮:૦૦થી ૧૦:૦૦ કલાક સુધી જ ફટાકડાં ફોડી શકાશે. નાતાલ તથા નવા વર્ષની ઉજવણી દરમિયાન રાત્રે ૨૩:૫૫ થી ૦૦:૩૦ કલાક સુધી જ ફટાકડાં ફોડવાની મંજૂરી રહેશે.
2. વધુ અવાજ કરતા અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા ફટાકડાં, જેમાં જોડાયેલા ફટાકડાંની લડી (Joint Firecrackers, Series Crackers or Laris)નો સમાવેશ થાય છે, તેનું વેચાણ અને ઉપયોગ કરી શકાશે નહીં.
3. માત્ર પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન (PESO) દ્વારા અધિકૃત અને માન્ય ધ્વનિ-સ્તર (Decibel Level) ધરાવતા ફટાકડાંનું જ વેચાણ અને ઉપયોગ કરી શકાશે. ફટાકડાંના બોક્સ પર PESOના નિયમો મુજબ જરૂરી માહિતી હોવી આવશ્યક છે.
4. હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો તથા ધાર્મિક સ્થળોની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ રહેશે.
5. હાનિકારક તથા પ્રતિબંધિત વિદેશી ફટાકડાંનું ઉત્પાદન, વેચાણ, સંગ્રહ કે ઉપયોગ કરી શકાશે નહીં.
6. ઈ-કોમર્સ વેબસાઇટ અથવા અન્ય ઓનલાઇન માધ્યમથી ફટાકડાંનું વેચાણ કરી શકાશે નહીં.
7. લોકોની અવરજવર વધુ હોય અથવા આગ લાગવાનું જોખમ હોય તેવા સ્થળોએ ફટાકડાંના વેચાણ અને સંગ્રહ માટે જરૂરી સલામતીના નિયમોનું પાલન કરવું પડશે. પેટ્રોલ પંપ, ગેસ સિલિન્ડર કે અન્ય જ્વલનશીલ પદાર્થોના સંગ્રહસ્થાનોની નજીક ફટાકડાંના સંગ્રહ અને ઉપયોગ બાબતે ખાસ સાવચેતી રાખવાની રહેશે.
8. રાકેટ, હવામાં ઊંચે જતાં ફટાકડાં તથા અન્ય પ્રકારના ફટાકડાંનો ઉપયોગ કરતી વખતે આસપાસના લોકો, વાહનો અને મિલકતને નુકસાન ન થાય તેની કાળજી રાખવી પડશે. પ્રતિબંધિત ફટાકડાંનું ઉત્પાદન કે વેચાણ કરી શકાશે નહીં.
9. ફટાકડાંનું વેચાણ માત્ર સક્ષમ સત્તાધિકારી દ્વારા માન્ય પરવાનગી ધરાવતા વેપારીઓ જ કરી શકશે. વેપારીઓએ પરવાનગીની શરતો તથા લાગુ પડતા કાયદાકીય નિયમોનું પાલન કરવાનું રહેશે.
10. ગ્રીન તથા માન્ય ફટાકડાંના ઉત્પાદન અને વેચાણ અંગે લાગુ પડતા નિયમોનું પાલન કરવાનું રહેશે. પ્રતિબંધિત ફટાકડાંના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, તહેવારોની ઉજવણી દરમિયાન જાહેર સલામતી, પર્યાવરણની જાળવણી અને ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણને પ્રાથમિકતા આપે તથા જાહેર કરવામાં આવેલા નિયમોનું ચુસ્તપણે પાલન કરે. નિયમોનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે પ્રવર્તમાન કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
આ જાહેરનામું તા.૨૧ ડિસેમ્બર ૨૦૨૬ના કલાક ૨૪.૦૦ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા – ૨૦૨૩ ની કલમ -૨૩૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે. તેમજ આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરવા બદલ ફરિયાદ માંડવા ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપલી કક્ષાના પોલીસ અઘિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.
