ગારીયાધાર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રીનાં અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત ૬૮૦ લાભાર્થીઓનો નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો….

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભારત સરકારનાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આયોજિત “રાષ્ટ્રીય વયોશ્રી યોજના” અંતર્ગત તેમજ ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (એલિમ્કો) ના સહયોગથી કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના ઉપસ્થિતિમાં ૬૮૦ વયોવૃદ્ધ લાભાર્થીઓને રૂપિયા ૬૧ લાખથી વધુના નિઃશુલ્ક સાધન સહાય વિતરણનો કેમ્પ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના એમ.ડી. પટેલ હાઈસ્કૂલ , ગારીયાધાર ખાતે યોજાયો હતો. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના કુશળ નેતૃત્વમાં અનેક જન કલ્યાણકારી યોજનાઓ ધરાતલ પર ઉતરી છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ એ સૂત્રને સાર્થક કરતા આ યોજનાઓનો લાભ દેશના છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત આજ રોજ ગારીયાધાર તાલુકાના ૬૮૦ લાભાર્થીઓને રૂપિયા ૬૧ લાખથી વધુના ૩૭૫૨ જેટલાં નિઃશુલ્ક સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. નિશુલ્ક સાધન સહાયથી વયોવૃદ્ધ નાગરિકો સ્વાવલંબી અને આત્મનિર્ભર બને છે એવું કહેતાં મંત્રીએ જણાવ્યું કે આર્થિક તંગીનો સામનો કરતા પરિવારમાં વડીલો તેમની વૃદ્ધાવસ્થામાં સહાયરૂપ થાય તેવા ઉપકરણોની ખરીદી કરી શકતા નથી અને પોતાના સંતાનો પાસે તેની માગણી પણ કરી શકતા નથી એવા સમયે ભારત સરકારની આ રાષ્ટ્રીય વયોશ્રી યોજના તેમનો આધાર બને છે. નિશુલ્ક સાધન સહાયથી તેમની મુશ્કેલીઓમાં તેમને રાહત મળે છે અને તેમનું જીવન સરળ બને છે.

વધુમાં તેમણે જણાવ્યું કે આ યોજના અંતર્ગત લાભાર્થીઓની પસંદગી કરવા માટે ૩૦જૂન ૨૦૨૫ થી ૧૬ જુલાઈ ૨૦૨૫ સુધી શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર જિલ્લામાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત કુલ ૮૦૯૧ વયોવૃદ્ધ લાભાર્થીઓની નિઃશુલ્ક સાધન સહાય માટે પસંદગી કરવામાં આવી છે. લગભગ ૭.૬૬ કરોડ રૂપિયાના સહાયક ઉપકરણને સ્વીકૃતિ આપવામાં આવી છે. આ તકે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયાએ વયોવૃદ્ધ નાગરિકોની જરૂરિયાતોને સમજી તેમની માગણીઓને વાચા આપવા બદલ કેન્દ્રીય રાજ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે માત્ર જિલ્લા કક્ષાએ જ નહીં પરંતુ તાલુકા કક્ષાએ આ પ્રકારે નિશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવું એ ખરેખર સરાહનીય બાબત છે જેના થકી લાભાર્થીઓને ઘરે બેઠા જ તેમનો લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે જે આનંદની વાત છે. ગારીયાધાર ખાતે યોજાયેલા વિતરણ કેમ્પમાં સામાન્ય અને કોમોડ વ્હીલચેર ૧૧૩, સામાન્ય, ટ્રાયપોડ અને ક્વાડ્રિપોડ ચાલવાની લાકડીઓ ૪૯૭, શ્રવણયંત્રો ૫૪૩, બત્રીસી (કૃત્રિમ દાંતના સેટ) ૮૫, કમરના પટ્ટા ૫૩૮, ઘૂંટણના બ્રેસ ૧,૨૧૮, ખભાના બ્રેસ ૩૧, વોકર્સ ૧૦૮, સીટ કુશન ૩૪૧, કોમોડ સ્ટૂલ ૨૩૨, ક્રચ (બગલઘોડી) ૪ તથા બેઠક ધરાવતી ચાલવાની લાકડીઓ ૪૨ સહિતના કુલ ૩,૭૫૨ સહાયક સાધનો લાભાર્થીઓને આપવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સુજાન સિંહ, નાયબ કલેકટર પાર્થ મિશ્રા ,પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, તાલુકા પંચાયત પ્રમુખ તુલસીભાઈ ડોંડા, ગારીયાધાર નગરપાલિકા પ્રમુખ મીનાબેન બારૈયા, એલિમ્કો ઝોનલ હેડ રમેશચંદ્ર , જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સુરેશભાઈ ચૌધરી, જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment