હિન્દ ન્યુઝ, નવસારી
નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા તથા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી ૮ સપ્ટેમ્બરના નવસારી પ્રવાસને અનુલક્ષીને હેલિપેડથી કમલમ મુખ્ય કાર્યાલય સુધીના સમગ્ર રૂટની વિગતવાર ફિલ્ડ વિઝીટ કરી વિવિધ વ્યવસ્થાઓનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
મેયરશ્રી તથા મ્યુનિસિપલ કમિશનર દ્વારા હેલિપેડથી કમલમ મુખ્ય કાર્યાલય સુધી સમગ્ર રૂટ પર ચાલતા જઈ રૂટની વાસ્તવિક સ્થિતિ, માર્ગની સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ, માર્ગ પરના બિનજરૂરી અવરોધો તેમજ અન્ય જરૂરી આનુષંગિક વ્યવસ્થાઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને સમગ્ર રૂટને સ્વચ્છ, સુઘડ અને સુવ્યવસ્થિત રાખવા માટે ચાલી રહેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને રૂટ પરની સ્વચ્છતા, રોડ સાઇડની વ્યવસ્થા, ડિવાઇડર તથા આસપાસના વિસ્તારોની સફાઈ, બિનજરૂરી સામગ્રી અને અવરોધો દૂર કરવા તેમજ જાહેર સ્થળોની યોગ્ય જાળવણી અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આ ઉપરાંત હેલિપેડ તથા કમલમ મુખ્ય કાર્યાલય ખાતેની વ્યવસ્થાઓ, વોટરપ્રૂફ ડોમ, પાર્કિંગ વ્યવસ્થા તથા કાર્યક્રમ સ્થળ સુધીના માર્ગ પર ટ્રાફિકનું સુચારુ સંચાલન થાય તે અંગે પણ સ્થળ પર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન નાગરિકો, મહાનુભાવો તથા મુલાકાતીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તમામ વિભાગો વચ્ચે સુદૃઢ સંકલન જાળવવા સૂચના આપવામાં આવી હતી.
વડાપ્રધાનના કાર્યક્રમને અનુરૂપ તમામ વ્યવસ્થાઓ સમયસર અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. બાકી રહેલી કામગીરીને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરી સમગ્ર રૂટને સુંદર, સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવા માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
સમગ્ર ફિલ્ડ વિઝીટ દરમિયાન નાયબ મ્યુનિસિપલ કમિશનરઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહી જરૂરી કામગીરી અને સંકલન અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.
