વડોદરા જિલ્લામાં આરોગ્ય વિભાગની વિવિધ યોજનામાં સંતૃપ્તિકરણ માટેવિશેષ ઝુંબેશ

હિન્દ ન્યુઝ, વડોદરા

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી તા. ૦૮ સપ્ટેમ્બરના વડોદરા પ્રવાસને ધ્યાને રાખીને વડોદરા જિલ્લામાં તા. ૦૧ સપ્ટેમ્બરથી તા. ૦૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન ‘PM Program Saturation of Flagship Scheme’ અંતર્ગત વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય વડાપ્રધાનશ્રી સાથે સંકળાયેલી વિવિધ ફ્લેગશિપ યોજનાઓનો વ્યાપ સંપૂર્ણ સ્તરે પહોંચાડી જિલ્લાના છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભો સુલભ બનાવવાનો છે.

મુખ્ય જિલ્લા શિક્ષણાધિકારી ડો. મીનાક્ષી ચૌહાણે જણાવ્યું કે, આ વિશેષ ઝુંબેશ અંતર્ગત વડોદરા જિલ્લાના તમામ તાલુકાઓમાં સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા આયુષ્માન આરોગ્ય કેન્દ્રો ખાતે વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનું સઘન આયોજન કરવામાં આવ્યું છે. ગામે-ગામે નમોશ્રી યોજના, PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) અને નોન-કોમ્યુનિકેબલ ડિસીઝ (NCD) કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને જરૂરી સેવાઓ પૂરી પાડવાની સાથે ગામોમાં સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે.

તા. ૦૧ સપ્ટેમ્બરથી તા. ૦૩ સપ્ટેમ્બર દરમિયાન નમોશ્રી યોજના અંતર્ગત જિલ્લાના સગર્ભા માતાઓના કુલ ૧,૨૭૧ નવા ફોર્મ ભરવામાં આવ્યા છે. તે પૈકી તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા કુલ ૯૪૩ ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે. મંજૂર થયેલા લાભાર્થીઓને રાજ્ય કક્ષાએથી યોજનાકીય ચૂકવણું કરવામાં આવશે. આ ઉપરાંત PMJAY યોજના હેઠળ કુલ ૧૧,૦૧૯ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા છે, જેના પરિણામે લાભાર્થીઓને વિવિધ બીમારીઓની સારવાર માટે કોઈપણ જાતના ખર્ચની ચિંતા કર્યા વિના ગુણવત્તાસભર તબીબી સેવાઓનો લાભ મળી શકશે.

ગામે-ગામ NCD કાર્યક્રમ અંતર્ગત કુલ ૧,૦૪૮ આરોગ્ય કેમ્પ યોજી ૩૦ વર્ષથી વધુ વયના કુલ ૨૪,૬૭૬ લાભાર્થીઓનું આરોગ્ય સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. હાયપરટેન્શન અને ડાયાબિટીસ ધરાવતા નવા લાભાર્થીઓને કુલ ૫,૧૯૫ હેલ્થ એન્ડ વેલનેસ કાર્ડ આપવામાં આવ્યા છે. ઉપરાંત, આ ઝુંબેશ અંતર્ગત આવરી લેવામાં આવેલા ગામોમાં ૮૮ સગર્ભા માતાઓ તથા ૯૩ ટી.બી.ના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.

વડાપ્રધાનના વડોદરા આગમન પૂર્વે જિલ્લાના તમામ નાગરિકો સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભો ઝડપથી અને અસરકારક રીતે પહોંચે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્ય સેવાઓ, યોજનાકીય લાભો તથા સ્વચ્છતા સહિતની પ્રવૃત્તિઓને છેવાડાના લાભાર્થી સુધી પહોંચાડીને ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ના અભિગમને સાકાર કરવા તંત્ર દ્વારા સંકલિત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

Related posts

Leave a Comment