વડાપ્રધાનના વડોદરા આગમનને જનસેવાના મહાપર્વ સાથે જોડતું જિલ્લા પ્રશાસનનું અનોખું અભિયાન

હિન્દ ન્યુઝ, વડોદરા 

     વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા. ૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ વડોદરાના આંગણે પધારી રહ્યા છે, ત્યારે વડોદરા જિલ્લાવાસીઓમાં ગૌરવ અને ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. આ ગૌરવપૂર્ણ અવસરને માત્ર સ્વાગત પૂરતો સીમિત ન રાખી, તેને સેવા, સુશાસન અને જનકલ્યાણ સાથે જોડીને ઉજવવાના ઉદ્દેશથી વડોદરા જિલ્લા પ્રશાસન દ્વારા વિશેષ સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આ અભિયાન અંતર્ગત વડોદરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા સાત દિવસથી વિવિધ સ્થળોએ વિશેષ સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કેમ્પોનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને સરકારી કચેરીઓના વારંવાર ધક્કા ન ખાવા પડે અને તેમની રોજિંદી જરૂરિયાતોને લગતી વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી અને ઝડપી રીતે ઉપલબ્ધ બની રહે તેવો છે. કેમ્પો દ્વારા છેવાડાના નાગરિક સુધી સરકારની સેવાઓ પહોંચાડવાની કામગીરીને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે.

વિશેષ સેવા કેમ્પોમાં આધારકાર્ડ, રેશનકાર્ડ, આવક તથા જાતિના દાખલા, જન્મ-મરણ અને લગ્ન નોંધણીના પ્રમાણપત્રો સહિતની વિવિધ નાગરિકલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સાથે સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની મહત્વપૂર્ણ ફ્લેગશિપ યોજનાઓને પણ આ અભિયાન સાથે સાંકળવામાં આવી છે, જેના પરિણામે નાગરિકોને એક જ સ્થળેથી વિવિધ યોજનાઓની માહિતી, નોંધણી તથા લાભ મેળવવાની સુવિધા પ્રાપ્ત થઈ રહી છે.

આ કેમ્પોમાં આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, ફાર્મર રજીસ્ટ્રી, NFSA હેઠળ નવી નોંધણી, નિરાધાર વૃદ્ધ પેન્શન અને વિધવા સહાય યોજના સહિતની યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત દીકરીઓના સર્વાંગી વિકાસ અને શિક્ષણને પ્રોત્સાહન આપતી વ્હાલી દીકરી યોજના, પાલક માતા-પિતા યોજના, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જેવી યોજનાઓ હેઠળ પણ સ્થળ પર જ નોંધણી તથા લાભ વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં યોજાયેલા વિશેષ સેવા કેમ્પોના માધ્યમથી કુલ ૧,૩૦,૪૦૧થી વધુ નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ તથા કલ્યાણકારી યોજનાઓનો લાભ મળ્યો છે. જિલ્લા પ્રશાસનના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સંકલિત પ્રયાસો થકી નાગરિકોને સરળ, પારદર્શક અને સ્થળ પર જ સેવા મળી રહે તે માટે સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

વડોદરા જિલ્લા પ્રશાસનની આ સમગ્ર પહેલ વડાપ્રધાનના વિકસિત ભારત’ અને ‘વિકસિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. વડાપ્રધાનશ્રીના વડોદરા આગમનના ગૌરવપૂર્ણ અવસરને જનસેવાના પર્વમાં પરિવર્તિત કરીને સરકારની યોજનાઓ અને સેવાઓનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો આ અભિગમ સુશાસન અને જનકલ્યાણની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

 

Related posts

Leave a Comment