માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં સ્વતંત્રતા દિનની ઉજવણીનું ફૂલ ડ્રેસ રિહર્સલ

હિન્દ ન્યુઝ, વડોદરા

   ૮૦માં સ્વતંત્રતા દિનની ઉજવણીમાં વડોદરામાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીના હસ્તે ધ્વજવંદન થવાનું છે, તે પૂર્વે આજે સવારે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમાર અને કલેક્ટર ડો. અનિલ ધામેલિયાની ઉપસ્થિતિમાં ફૂલ ડ્રેસ રિહર્સલ યોજાયું હતું. 

રિયલ ટાઇમ ફૂલ ડ્રેસ રિહર્સલમાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને બાદમાં તેમણે પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી. વડોદરા શહેર પોલીસની વિવિધ શાખાઓ ઉપરાંત અશ્વદળ, એનસીસી, ગૃહ રક્ષક દળ, ટ્રાફિક અને પોલીસ બેન્ડની ટૂકડીઓ આ પરેડમાં જોડાવાની છે. 

બાદમાં તેમણે સંયુક્ત પોલીસ કમિશનર સુધીર દેસાઇ સાથે તમામ પ્લાટુનની મુલાકાત લઇ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. પરેડનું અનુશાસન અને શિસ્ત માટે તેમણે મહત્વપૂર્ણ દિશાનિર્દેશો આપ્યા હતા. 

રાષ્ટ્રીય પર્વની આ વખતની ઉજવણીમાં પ્રથમ વખત રાષ્ટ્રીય ગાન સાથે રાષ્ટ્રીય ગીત વંદે માતરમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પોલીસ બેન્ડ ઉપર વંદે માતરમની સુરાવલી થશે. બાદમાં રાષ્ટ્રીય ગીત સાથે તિરંગાને સલામી આપવામાં આવશે. તત્પશ્ચાયત પરેડ નિરીક્ષણ, કર્મયોગીઓનું સન્માન, દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજાશે. 

રિહર્સલમાં નાયબ પોલીસ કમિશનર અભિષેક ગુપ્તા, નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પટેલ, કાર્યપાલક ઇજનેર દિવ્યેશ ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે સહિતના અધિકારીઓ જોડાયા હતા. 

આ ઉજવણીમાં સહભાગી થવા સૌને નિમંત્રણ છે.

Related posts

Leave a Comment