હિન્દ ન્યુઝ, દાહોદ
પ્રાકૃતિક ખેતી:આત્મા પ્રોજેક્ટ
દાહોદ શહેરના ઐતિહાસિક છાબ તળાવ ખાતે રિડેવલપમેન્ટ બાદ રોજ મોટી સંખ્યામાં લોકો સવાર-સાંજ વોકિંગ, દોડ, યોગ અને કસરત માટે આવે છે. આ જ સ્થળે આત્મા પ્રોજેક્ટ દ્વારા શરૂ કરાયેલા ‘પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર’ એ હવે નાગરિકોમાં સ્વાસ્થ્યપ્રદ આહાર અંગે નવી જાગૃતિ લાવી છે.
દાહોદના રહેવાસી જિગ્નેશભાઈ ભૂરિયા પણ દરરોજ સ્વાસ્થ્ય માટે છાબ તળાવ પર વોકિંગ કરવા આવતા હતા. એક દિવસ તેમની નજર અહીં શરૂ થયેલા પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર પર પડી. શરૂઆતમાં તેમણે જિજ્ઞાસાવશ અહીંથી શાકભાજી ખરીદ્યાં, પરંતુ ગુણવત્તા, તાજગી અને સ્વાદનો અનુભવ કર્યા પછી તેઓ આ કેન્દ્રના નિયમિત ગ્રાહક બની ગયા.
જિગ્નેશભાઈ જણાવે છે કે, “હું પહેલાં માત્ર ચાલવા આવતો હતો, પરંતુ હવે અહીંથી મારા પરિવાર માટે પ્રાકૃતિક શાકભાજી અને અન્ય ખેત પેદાશો પણ ખરીદી લઈ જાઉં છું. રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓ વગર ઉગાડવામાં આવેલી આ પેદાશો આરોગ્ય માટે વધુ લાભદાયી છે. બજારની સરખામણીએ માત્ર રૂ. ૫ થી ૧૦ જેટલો જ ભાવફેર હોવાથી દરેક પરિવાર સરળતાથી તેને અપનાવી શકે છે.”
વેચાણ કેન્દ્ર પરથી તાજાં શાકભાજી ઉપરાંત અનાજ, કઠોળ, લોટ અને ચોખા જેવી વિવિધ પ્રાકૃતિક પેદાશો પણ ઉપલબ્ધ હોવાથી નાગરિકોને એક જ સ્થળે સ્વસ્થ આહારની ખરીદી કરવાની સુવિધા મળી રહી છે. ખેડૂતોને પણ તેમની પેદાશોનું યોગ્ય મૂલ્ય મળી રહ્યું છે, જેના કારણે ગ્રાહક અને ખેડૂત બંનેને લાભ થાય છે.
જિગ્નેશભાઈ ભૂરિયા દાહોદના તમામ નાગરિકોને અપીલ કરતાં કહે છે કે, “સ્વાસ્થ્ય જ સૌથી મોટી સંપત્તિ છે. નિયમિત કસરત અને યોગની સાથે જો આપણે પ્રાકૃતિક આહાર અપનાવીએ તો અનેક બીમારીઓથી બચી શકીએ. દરેક પરિવારે ઓછામાં ઓછું એકવાર આ વેચાણ કેન્દ્રની મુલાકાત લઈને પ્રાકૃતિક પેદાશોનો અનુભવ જરૂર કરવો જોઈએ.”
છાબ તળાવ ખાતે શરૂ થયેલું આ પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર માત્ર વેચાણનું સ્થળ નથી, પરંતુ સ્વસ્થ જીવનશૈલી, પ્રાકૃતિક ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ તરફનું એક મહત્વપૂર્ણ પગલું બની રહ્યું છે. જિગ્નેશભાઈ ભૂરિયાની આ પ્રેરણાદાયી સફર દર્શાવે છે કે નાનકડો નિર્ણય પણ સમગ્ર પરિવારના સ્વાસ્થ્યમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે.
