હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન તંત્રના મદદનીશ નિયંત્રકની એક યાદીમાં જણાવ્યા મુજબ કાનૂની માપ વિજ્ઞાન તંત્ર,આણંદ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જિલ્લાના ગ્રાહકોના હિતાર્થે વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન તંત્ર દ્વારા જિલ્લાના કુલ ૭૪૮૭ એકમોના વજન અને માપના સાધનોની વિગતવાર ચકાસણી અને મુદ્રાંકન કરવામાં આવ્યું હતું, જેના થકી કુલ રૂ. ૬૨,૩૯,૯૦૫/- ની ચકાસણી ફિ વસૂલ કરવામાં આવી છે.
આ ઉપરાંત, જિલ્લાના આશરે ૧૨૩૧ વેપારી એકમોની ઓચિંતી મુલાકાત લઈ તપાસ હાથ ધરતા કુલ ૨૩૪ વેપારીઓ ‘ધી લિગલ મેટ્રોલોજી એક્ટ-૨૦૦૯’ ના કાયદા અને નિયમોનો ભંગ કરતા જણાયા હતા. આ એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરી કુલ રૂ. ૧૦,૫૮,૩૦૦/- નો દંડ વસૂલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં વજન-માપના સાધનોને લગતા ૨૦૨ કેસમાં રૂ. ૨,૦૪,૩૦૦/- માંડવાળ ફી અને પેકેજ્ડ કોમોડિટીને લગતા ૩૨ કેસમાં રૂ. ૫,૩૪,૦૦૦/- ની માંડવાળ ફી વસૂલવામાં આવી છે, જ્યારે ૨ એકમો સામે નામદાર કોર્ટ મારફત રૂ. ૩,૨૦,૦૦૦/- વસુલ કરવાની દંડનીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
તંત્રની આ તપાસમાં વજનમાં ઓછું આપવું, સાધનોનું સમયસર મુદ્રાંકન ન કરાવવું, પેકિંગ ઉપર છાપેલી કિંમતમાં છેકછાક કરવી, પેકિંગ આઈટમો માટે જરૂરી નોંધણી ન કરાવવી તેમજ ઈલેક્ટ્રોનિક વજન-કાંટો રાખતા વેપારીઓ દ્વારા ગ્રાહકોના સંતોષ માટે જરૂરી ટેસ્ટિંગ વજન ન રાખવા જેવી ગંભીર ગેરરીતિઓ સામે આવી હતી.
વધુમાં આણંદ જિલ્લાના ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે જો તેમને કોઈ વેપારી દ્વારા આવી ગેરરીતિ થતી જણાય તો તેઓ તુરંત કચેરીના ઈ-મેઈલ આઈ.ડી. aclm-and@gujarat.gov.in અથવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૦૨૨૨, ૧૪૪૩૭ કે ૧૯૧૫ ઉપર અથવા કચેરીના સરનામે સંપર્ક કરી ફરિયાદ નોંધાવી શકે છે તેમ જણાવાયું છે.
