હિન્દ ન્યુઝ, સુરત
કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના અભિગમ સાથે સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન ખાતેથી કુલ રૂ.૬૬ કરોડના ખર્ચે સાકારિત સુરત ગ્રામ્ય, વલસાડ, તાપી જિલ્લા તેમજ રેલ્વે પોલીસના વિવિધ પ્રકલ્પોનું નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે ઇ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહુર્ત કરાયું હતું.
નાયબ મુખ્યમંત્રીએ નવનિર્મિત માંડવી પોલીસ સ્ટેશનનું લોકાર્પણ અનાવલ, તડકેશ્વર અને પાલોદ પોલીસ સ્ટેશન, તાપી જિલ્લામાં નવનિર્મિત સોનગઢ પોલીસ સ્ટેશન, વલસાડ જિલ્લામાં નવનિર્મિત વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન તેમજ પોલીસ લાઈન, વાપી રેલવે પોલીસ સ્ટેશન અને ડુંગરા પોલીસ લાઈનનું ઈ-લોકાર્પણ તથા વ્યારા પોલીસ મુખ્ય મથકમાં નવી પોલીસ લાઈનના બાંધકામનું ખાતમૂહુર્ત કર્યું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સુરક્ષા અને સુવિધાના નવા આયામો સર કરતું ગુજરાત આજે દેશભરમાં સૌથી સુરક્ષિત રાજ્ય છે. કાયદો અને વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતિ અને સુરક્ષાના માપદંડોમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ હરોળમાં બિરાજમાન છે.
