હિન્દ ન્યુઝ, ભુજ
માનનીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કચ્છ જિલ્લાના પ્રવાસે પધાર્યા છે ત્યારે તેઓએ ધોરડો ટેન્ટ સિટી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા. કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતી વિવિધ કૃતિઓની પ્રસ્તુતિ માનનીય ઉપરાષ્ટ્રપતિએ માણી હતી. તેઓએ જુસ્સાભેર રજૂ થયેલા સીદી ધમાલ નૃત્યનો આનંદ લીધો હતો.
ધીંગી ધરા નામથી રજૂ કરાયેલી નૃત્યની પ્રસ્તુતિમાં કચ્છ કેવી કેવી કપરી આપદાઓમાંથી આપબળે ઉગરીને આજે અડીખમ ઉભું છે તેની કહાણી ઉપરાષ્ટ્રપતિ સમક્ષ દર્શાવાઈ હતી. કચ્છની ધરા દરિયો, રણ અને પર્વતો એમ અલગ અલગ ભૌગૌલિક વિવિધતાથી સંપન્ન છે તેના વિશે પણ તેઓને માહિતગાર કરાયા હતા.
આ વિવિધ પ્રસ્તુતિ માણીને ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આ પરફોર્મન્સ અદભૂત હતા. તેઓએ તમામ કલાકારોને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન લેડી વાઈસ પ્રેસિડેન્ટ શ્રીમતિ સુદેશ ધનખડ, રાજ્યના સહકાર અને પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, ઉપરાષ્ટ્રપતિના અંગત સચિવ સુજીત કુમાર, રાજ્યસભાના સેક્રેટરી રજીત પુનહાની, ગુજરાત ટુરિઝમ સેક્રેટરી હારિત શુક્લા, જિલ્લા કલેકટર દિલીપ રાણા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ, પ્રોબેશનલ IAS સુનીલ સોલંકી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જી.કે.રાઠોડ સહિત મહાનુભાવો જોડાયા હતા.