દેવભાષા સંસ્કૃત અને ગર્ભ સંસ્કાર શાસ્ત્રના અધ્યયનની આવશ્યકતા વિષય ઉપર સમાજશાસ્ત્ર ભવન દ્વારા વ્યાખ્યાન યોજાયું

હિન્દ ન્યુઝ,

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગરના તજજ્ઞ ડો.ભૈરવી દિક્ષિતનું મનનીય પ્રવચન જૂનાગઢ તા.૨૭ સમાજશાસ્ત્ર વિભાગ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્રારા સાંપ્રત સમયમાં દેવભાષા સંસ્કૃત અને ગર્ભ સંસ્કાર શાસ્ત્રનાં અધ્યયનની આવશ્યકતા વિષય ઉપર કુલપતિ ડો.ચેતન ત્રિવેદીના અધ્યક્ષસ્થાને વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિષય તજજ્ઞ તરીકે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગરનાં પ્રાધ્યાપક ડો.ભૈરવીબેન દિક્ષિત હાજર રહ્યા હતાં. તેઓએ સાંપ્રત સમયમાં સંસ્કૃતનું મહત્વ, સંસ્કૃત વિષયનો વ્યાપ, અધ્યયન પધ્ધતિ તેમજ ગર્ભ સંસ્કાર શાસ્ત્ર વિષય ઉપર પ્રકાશ પાડ્યો હતો. તેઓએ અભિમન્યુ, સ્વામી વિવેકાનંદ સહિતના ઉદાહરણો સાથે ગર્ભ સંસ્કાર શાસ્ત્ર અને તેજસ્વી અને યશસ્વી બાળક વિશે સમજ આપી હતી. વ્યક્તિ, પરિવાર, સમાજ, રાષ્ટ્ર, વિશ્વ, સૃષ્ટિ, પરમેષ્ઠી, સામાજિક પુનરૂત્થાન, શિક્ષણ, સંસ્કાર વિશે પણ વિસ્તૃત સમજણ આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો.જયસિંહ ઝાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું તથા અંતમાં આભાર વિધિ ડો.પરાગ દેવાણીએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન ડો.ઋષિરાજ ઉપાધ્યાયે કર્યું હતું. હાલમાં યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનોમાં અંદાજે ૯૦ ટકા જેટલી વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી છે. તે બાબતે પણ ડો.ભૈરવીબેન દિક્ષિતે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

Related posts

Leave a Comment