ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ‘શૌર્ય સંવાદ’ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ‘શૌર્ય સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભારતીય વાયુસેનાની સુર્યકિરણ ટીમના સ્કવોડ્રન લીડર વી. વિક્રમ અને શરદ ગોયલે એનસીસીના એરફોર્સ, આર્મી અને નેવીના કેડેટ્સ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો.

કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ ભાવનગરમાં પ્રથમ વખત યોજાયેલા સૂર્યકિરણ એર શો અંગે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ભાવનગરના ઇતિહાસમાં આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. બોરતળાવની આસપાસના વિસ્તારો, અગાસીઓ અને ફાર્મહાઉસ પરથી મોટી સંખ્યામાં ભાવનગરવાસીઓએ આ ઐતિહાસિક હવાઈ પ્રદર્શન નિહાળ્યું હતું. વાયુસેનાના પાયલટ્સના અદભુત હવાઈ કરતબો અને બેન્ડની દેશભક્તિપૂર્ણ પ્રસ્તુતિએ નગરજનોમાં રાષ્ટ્રગૌરવની લાગણી જગાવી હતી. તેમણે આ પ્રદર્શન બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહનો આભાર વ્યક્ત કરી વાયુસેનાના જવાનોને અભિનંદન પાઠવ્યાં હતાં. સાથે જ કાર્યક્રમની સફળતામાં સહયોગ આપનાર જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા, પોલીસ વિભાગ અને ભાવનગરવાસીઓની સરાહના કરી હતી.

સંવાદ દરમિયાન સૂર્યકિરણ ટીમના સ્કવોડ્રન લીડર વી. વિક્રમ અને શરદ ગોયલે વિદ્યાર્થીઓને ભારતીય વાયુસેનાની કામગીરી, સશસ્ત્ર દળોમાં કારકિર્દીની તકો અને પ્રવેશ પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપ્યું હતું. વિંગ કમાન્ડર વિક્રમે અગ્નિવીર તરીકે વાયુસેનામાં જોડાવા માટેની પસંદગી પ્રક્રિયા, શૈક્ષણિક અને શારીરિક લાયકાત તેમજ ધોરણ-૧૨ પછી નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) અને સ્નાતક થયા બાદ વિવિધ પ્રવેશ યોજનાઓ મારફતે અધિકારી બનવાની તકો વિશે સમજાવ્યું હતું. મહિલા કેડેટ્સને પણ પ્રવેશની તક મળતી હોવાનું જણાવી યુવતીઓને સશસ્ત્ર દળોમાં કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.

Related posts

Leave a Comment