હિન્દ ન્યુઝ, વલસાડ
રાજ્યમાં સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને સુંદર પર્યાવરણ માટેના સહિયારા પ્રયત્નોના ભાગરૂપે ‘‘નમો સ્વચ્છતા અભિયાન’’નું આયોજન કરાયું છે ત્યારે વલસાડ જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હેતલબેન પટેલના અધ્યક્ષસ્થાને ‘‘નમો સ્વચ્છતા અભિયાન’’નો ઉદ્ઘાટન સમારોહ મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન જે. પટેલે રાષ્ટ્રીય ડોકટર દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, આરોગ્ય અને સ્વચ્છતા એક સિક્કાની બે બાજુ છે. બંને એક બીજા સાથે પરસ્પર જોડાયેલા છે. આપણા સરકારી દવાખાનામાં દર્દી ડોકટરને ભગવાન માનીને સારવાર માટે આવે છે. ત્યારે દર્દીનું દુઃખ દૂર કરવું એ આપણી ફરજ છે. ચોમાસા દરમિયાન આપણે આપણા સરકારી દવાખાના પીએચસી, સીએચસી, સબ સેન્ટર, સિવિલ હોસ્પિટલ અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલને સ્વચ્છ રાખીશું તો મોટેભાગની આરોગ્યને લગતી સમસ્યા સોલ્વ થઇ જશે. જિલ્લા પંચાયત પ્રમુખએ વધુમાં તબીબોને કહ્યું કે, તમારી પાસે આવતા દર્દીઓને પણ સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપજો, જેથી મોટેભાગની બીમારી આપમેળે જ દૂર થઈ જાય છે. સ્વસ્થ રહેવા માટે સ્વચ્છતા ખૂબ જરૂરી છે.
વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતે રાષ્ટ્રીય ડોકટર ડે અને ચાર્ટડ એકાઉન્ટન્ટ દિવસની શુભેચ્છા આપી તબીબોને જણાવ્યું કે, ડોકટર તરીકે ફરજ પર જોડાયા ત્યારે તમે જે શપથ લીધી હતી તેને ખરા અર્થમાં ચરિતાર્થ કરવાની છે. હાલમાં ચોમાસાની સિઝનનો પ્રારંભ થયો છે ત્યારે સ્વચ્છતાનું મહત્વ વધી જાય છે. હું દર સપ્તાહે જિલ્લાના સબ સેન્ટરોની વિઝીટ લઉ છું. દરેક સબ સેન્ટરને પોતાનું નવું અદ્યતન મકાન અને હાઈટેક સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં વિવિધ ગ્રાન્ટમાંથી રૂ. ૧૦ કરોડના ખર્ચે અદ્યતન ઈકવિપમેન્ટ જેવા કે, એક્સ રે, લેપ્રોસ્કોપી મશીન, સીસીટીવી, બાયોકેમેસ્ટ્રી એનલાઇઝર સહિતના સાધનો સરકારી દવાખાના અને સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવાયા છે. લોકો ખાનગી હોસ્પિટલોની મોંઘી સારવાર છોડી સરકારી દવાખાના તરફ વળે એવો વિશ્વાસ ઉભો થાય તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે ત્યારે આપણે સૌએ પ્રજાના આરોગ્યની સેવામાં સુધારો કરવા માટે કટિબદ્ધ થવું પડશે.
ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શકુંતલાબેન ચૌધરીએ આ અભિયાનનો હેતુ સમજાવતા જણાવ્યું કે, આ અભિયાનનો હેતુ આરોગ્ય સંસ્થાઓને સ્વચ્છ, સુરક્ષિત, સુવ્યવસ્થિત તેમજ દર્દી મૈત્રીપૂર્ણ બનાવવાનો છે. જેથી દર્દીઓને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપ્લબ્ધ થઈ શકે.
આ પ્રસંગે રાજ્ય વ્યાપી અભિયાનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીના જીવંત પ્રસારણ કાર્યક્રમને સૌએ નિહાળ્યો હતો.
આ ઉદ્ઘાટન સમારોહમાં સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડન્ટ ડો.ભાવેશ ગોયાણી, મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન સુપ્રીટેન્ડન્ટ ડો. કીર્તિદા ટંડેલ, તાલુકાના સર્વે હેલ્થ ઓફિસરોઓ, સબ સેન્ટરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો અને સ્ટાફ નર્સ સહિતનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. સ્વાગત પ્રવચન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.કે.સિંઘે જ્યારે આભારવિધિ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.પી. સિંઘે કરી હતી.
