હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ જિલ્લામાં રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા કોમન એન્ટ્રરન્સ ટેસ્ટ (CET)-૨૦૨૫ની પરીક્ષા આગામી તા.૨૨/૦૩/૨૦૨૫ના રોજ લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પી.એલ.ઝણકાતે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા,૨૦૨૩ની કલમ-૧૬૩ (ભારતના ફોજદારી કાર્યરીતી અધિનિયમ- ૧૯૭૩(૧૯૭૪નો ૨ની કલમ-૧૪૪)થી તેમને મળેલા અધિકારની રૂએ ફરમાવ્યું છે કે, આગામી તા.૨૨/૦૩/૨૦૨૫ ના રોજ સમય સવારનાં ૧૧:૦૦ થી ૧૩:૩૦ કલાકનાં કુલ-૩૪ પરીક્ષા કેન્દ્ર, ઉપર તથાં જિલ્લાનાં સ્ટ્રોંગરૂમ (સરકારી હાઇસ્કૂલ, સ્ટેશન રોડ, બોટાદ) ખાતે જરૂરી પ્રતિબંધો ફરમાવવામાં આવે છે.
જેમાં પરીક્ષા કેન્દ્રો અને સ્ટ્રોંગરૂમના કમ્પાઉન્ડની ૧૦૦ મીટર ત્રિજ્યામાં આવેલાં ઝેરોક્ષ/ફેક્સનાં વ્યવસાય સાથે સંકળાયેલાં વેપારીઓએ ઝેરોક્ષ તેમજ ફેકસ મશીનના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વિગેરે ધ્વનિ વર્ધક સાધનોનાં ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રોમાં મોબાઇલ ફોન લઇ જવા પર, પરીક્ષા કેન્દ્રો અને સ્ટ્રોંગરૂમના કમ્પાઉન્ડની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠાં થવા પર, પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરનાં સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય કોઇ અનઅધિકૃત વ્યક્તિએ પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશવા પર,સ્ટ્રોંગરૂમના કમ્પાઉન્ડની ૧૦૦ મીટર ત્રિજ્યામાં અનઅધિકૃત વ્યકિતઓના પ્રવેશ પર, સ્ટ્રોંગરૂમના કમ્પાઉન્ડની ૧૦૦ મીટર ત્રિજયામાં ખાનગી કાર્યક્રમ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
જાહેરનામાનું ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ (ભારતનાં ફોજદારી અધિનિયમ(સને૧૮૬૦ના ૪૫માં અધિનિયમ)ની કલમ-૧૮૮) મુજબ સજા થશે. જાહેરનામાના અમલ તથા તેનાં ભંગ બદલ પગલાં લેવાં હેડ કોન્સ્ટેબલથી નીચેનાં ન હોય તેવાં અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે.
