હિન્દ ન્યુઝ, વડોદરા
વડોદરા જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલાં ૨૫ હજારથી વધુ ચિત્રોનું જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજિત ‘સેવાસંકલ્પોત્સવ’ અંતર્ગત પ્રદર્શન યોજાયું છે. વિકસિત ભારત-૨૦૪૭ અને વિકસિત ગુજરાત-૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવાની પ્રેરણા સાથે ૧૬ ઑક્ટોબરથી શરૂ થયેલા આ બે દિવસીય પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, સામાજિક જાગૃતિ, સર્વાંગી વિકાસ અને નશામુક્ત સમાજ જેવા વિષયો પર પોતાની કલાત્મક અભિવ્યક્તિ રજૂ કરી છે. વિદ્યાર્થીઓનાં આ ચિત્રોમાં વિકસિત ભારતના નિર્માણ અંગેની તેમની કલ્પનાઓ, આશાઓ અને સંકલ્પો જીવંત બન્યાં છે.
સંસદસભ્ય ડૉ. હેમાંગ જોશીની પ્રેરણાથી યોજાયેલી આ પહેલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવનનાં ૨૫ વર્ષના સેવાકાર્ય અને સુશાસનની ઉજવણીના ભાગરૂપે ‘સેવા સંકલ્પ અભિયાન’ અને ‘વિકસિત ભારત’ જેવા વિષયોને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણતંત્ર, વિદ્યાર્થીઓ, શાળાના કર્મચારીઓ અને વિશેષ શિક્ષકોના સામૂહિક પ્રયાસોથી આ આયોજન સાકાર થયું છે. આ પ્રદર્શન દ્વારા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વ્યસનમુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાની સાથે વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, નાગરિક તરીકેની જવાબદારી અને સેવા, સંકલ્પ તથા સર્જનાત્મકતાનાં મૂલ્યોનું સિંચન કરવાનો ઉદ્દેશ પણ છે.
વડોદરા જિલ્લાના વિદ્યાર્થીઓની આ સામૂહિક કલાત્મક પહેલને ‘વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સ, લંડન’ દ્વારા માન્યતા આપવામાં આવી છે. ૨૫ હજારથી વધુ વિદ્યાર્થી ચિત્રકૃતિઓ સાથે સંકળાયેલા રેકોર્ડ પ્રયાસને માન્યતા આપતુ સર્ટિફિકેટ સંસ્થા દ્વારા જારી કરવામાં આવ્યો છે. આ માન્યતા વિકસિત ભારત-૨૦૪૭ના સેવાસંકલ્પને સાકાર કરવાની દિશામાં શિક્ષણ અને સર્જનાત્મકતાના સમન્વય સાથે વડોદરા જિલ્લાની વ્યાપક સહભાગિતાને ઉજાગર કરે છે.
આ ઉપરાંત, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના પ્રાંગણમાં નવરાત્રિ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષણ વિભાગના કર્મચારીઓ અને શાળાની ટીમોએ એકસાથે જોડાઈને મા અંબાની આરાધના કરી હતી.
આ પ્રસંગે સંસદસભ્ય ડૉ. હેમાંગ જોશી, જયપ્રકાશ સોની, વડોદરાના જિલ્લા વિકાસ અધિકારી આનંદ પાટીલ, રસિકભાઇ પ્રજાપતિ, જિલ્લા પ્રમુખ શ્રીમતી જ્યોત્સનાબેન રબારી ,વડોદરા મહાનગરપાલિકાના ઉપમેયર આદિત્ય પટેલ,જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભૂમિકાબેન સોલંકી, જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે, જિલ્લા યુવા વિકાસ અધિકારી કેતુલ મહેરિયા, વડોદરા જિલ્લા રમતગમત અધિકારી શ્રી દિનેશ કદમ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
