હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર જિલ્લા કલેકટર પી.બી. પંડયાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે ઓક્ટોબર માસની જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાાઇ હતી.
આ બેઠકમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે કૃષિલક્ષી વીજ જોડાણનો બેકલોગ દૂર કરવા, આંગણવાડીને પોતાની માલિકીના મકાનો આપવા, જર્જરિત વાયર્સ સત્વરે બદલી આપવા, બી.આર.સી. ધ્રોલમાં કમ્પાઉન્ડ વોલ અને નવું તાલીમ ભવન બનાવવા, વીજફીડર બંધ થવાની જાહેર જનતાને જાણ કરવા તથા ગ્રામ્ય વિસ્તારમાં નિયમિત પાણી પૂરું પાડવા સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા, જે અંગે યોગ્ય કરવા કલેક્ટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
ચૂંટાયેલા વિવિધ જનપ્રતિનિધિઓના વીજલાઇન અને પાણીના સમ્પ ખેતરને બદલે ખરાબાની જમીનમાં નાખવા, જમીન માપણીનો સર્વે કરવા, અછતની સંભવિત પરિસ્થિતિમાં ઘાસચારાનો જથ્થો જાળવવા, પાકવીમો, પ્રોપર્ટી કાર્ડ, પેન્ડિંગ પ્રશ્નોનો નિયત સમય મર્યાદામાં ઉકેલ લાવવા જેવા વિવિધ પ્રશ્નો અંગે આ બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં અગાઉની બેઠકની કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ વિવિધ વિભાગોને લગતી રજુઆતો, અરજીઓ અને પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. નવેમ્બર માસમાં યોજાનારા મુખ્યમંત્રીશ્રીના સંભવિત કાર્યક્રમના આયોજન અંગે પણ આ બેઠકમાં વિચારણા કરાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નિશા, નિવાસી અધિક કલેકટર વિમલ ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, પ્રાંત અધિકારીઓ સહિત લગત વિભાગના અધિકારીશ્રીઓ, સંકલન સમિતિના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
