હિન્દ ન્યુઝ, ડાંગ
જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ (DCPU), ડાંગ-આહવાના સંયુક્ત ઉપક્રમે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, PWD કોલોની, આહવા ખાતે “આપત્તિ વ્યવસ્થાપન” વિષય પર વિશેષ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આપત્તિ કોઈ પણ સમાજ, જાતિ, ધર્મ કે પદ જોઈને નથી આવતી; તે ગમે તે સમયે અને ગમે તે સ્થળે આવી શકે છે. આવી કટોકટીભરી પરિસ્થિતિમાં વ્યક્તિ પોતાની સુબુદ્ધિ, સમયસૂચકતા અને આસપાસ ઉપલબ્ધ વસ્તુઓનો યોગ્ય ઉપયોગ કરીને પોતાનો તેમજ અન્યોનો જીવ જોખમમાંથી કેવી રીતે બચાવી શકે, તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવાના હેતુથી આ તાલીમ યોજવામાં આવી હતી.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એન. ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન એકમ, ડાંગના જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર શ્રી ચિંતન પટેલે ઉપસ્થિત રહી સંસ્થાના અંતેવાસી બાળકો તથા સ્ટાફને આપત્તિના પ્રકારો, આગ કે કુદરતી હોનારત સમયે રાખવાની સાવચેતી અને રાહત-બચાવ કામગીરી અંગે ઉપયોગી માહિતી આપી હતી.
આ તાલીમ સત્રમાં CWC ચેરમેન તથા સભ્ય, JJB સભ્યઓ, SDO, DCPU તેમજ CCI સ્ટાફ, સરકારી ચિલ્ડ્રન હોમના અંતેવાસી બાળકો, અધિકારીઓ-કર્મચારીઓ તથા ચાઇલ્ડ હેલ્પલાઇન-૧૦૯૮ની ટીમે ભાગ લઈ જીવનરક્ષક માહિતી મેળવી હતી.
