VNSGU ખાતે ONGC હજીરાના CISF યુનિટ દ્વારા ‘અગ્નિ સુરક્ષા જાગૃતિ અને ફર્સ્ટ એઇડ ફાયર ફાઇટીંગ’ તાલીમ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત

    દશેરા અને દિવાળી જેવા આગામી તહેવારો દરમિયાન આગ અકસ્માતની ઘટનાઓ નિવારવાના હેતુથી VNSGU ખાતે ONGC હજીરાના સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ(CISF) યુનિટ દ્વારા ‘અગ્નિ સુરક્ષા જાગૃતિ અને ફર્સ્ટ એઇડ ફાયર ફાઇટીંગ’ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. 

       તાલીમ દરમિયાન તહેવારોમાં ફટાકડા, દીવા, વિદ્યુત શણગાર તથા કામચલાઉ વીજ કનેક્શનના કારણે ઉદ્ભવતા અગ્નિ જોખમો અને તેનાથી બચવાના ઉપાયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ કોઈપણ આકસ્મિક ઘટના સમયે ગભરાયા વિના સલામત બચવાના માર્ગોનો ઉપયોગ કરવા તથા તાત્કાલિક ઈમરજન્સી સેવાઓનો સંપર્ક કરવા જણાવાયું હતું.

        કાર્યક્રમમાં ફાયર સેફ્ટી અંગેનું પ્રાયોગિક નિદર્શન પણ યોજાયું હતું. તહેવારોમાં ખુલ્લી જગ્યામાં ફટાકડા ફોડવા, બાળકો પર ધ્યાન રાખવું અને જ્વલનશીલ પદાર્થોથી અંતર જાળવવું જેવી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શૈક્ષણિક સમુદાયમાં ફાયર સેફટી પ્રત્યે જાગૃતિ કેળવવાનો અને તહેવારો સુરક્ષિત રીતે ઉજવાય તે સુનિશ્ચિત કરવાનો હતો.

      ડેપ્યુટી કમાન્ડન્ટ રાકેશ કુમારના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમનું સંચાલન ફાયર ઇન્સ્પેક્ટર ડૉ.સ્વયંપ્રકાશ વર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટીના કુલપતિ, કુલસચિવ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓ મળી કુલ ૪૧૮ સહભાગીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

 

Related posts

Leave a Comment