હિન્દ ન્યુઝ, દાહોદ
ગુજરાતના બાંધકામ વિકાસમાં શ્રમિકોનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. રસ્તાઓ, મકાનો, શાળાઓ, હોસ્પિટલો અને અન્ય માળખાકીય સુવિધાઓના નિર્માણમા શ્રમિક ભાઈઓ અને બહેનો દિવસ-રાત પરિશ્રમ કરે છે. તેમના પરિશ્રમને સન્માન આપવું અને તેમના કલ્યાણની ચિંતા કરવી એ સરકારની પ્રાથમિકતા છે. આ હેતુથી શ્રમિકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેમાંની એક મહત્વપૂર્ણ યોજના છે શ્રમિક અન્નપૂર્ણા યોજના, જેના માધ્યમથી બાંધકામ શ્રમિકોને માત્ર પાંચ રૂપિયાના નજીવા દરે પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવે છે.
સુખસર અને ફતેપુરા તાલુકા મથકે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના સ્ટોલનું રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ ખટારા ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લામાં અગાઉ પાંચ સ્થળોએ ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત હતાં અને હવે નવા દસ સ્થળોએ આ સુવિધા શરૂ થઈ રહી છે. આના કારણે જિલ્લાના વધુ શ્રમિક ભાઈઓ અને બહેનોને યોજનાનો લાભ મળી શકશે.
આ પ્રસંગે મંત્રી રમેશભાઈ કટારાએ કહ્યું હતું કે, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા માત્ર ભોજનની જ નહીં, પરંતુ શ્રમિકો અને તેમના પરિવારોના સર્વાગી કલ્યાણની પણ કાળજી લેવામાં આવે છે. શિક્ષણ સહાય યોજના દ્વારા બાળકોના અભ્યાસને પ્રોત્સાહન આપવામાં આવે છે. પ્રસુતિ સહાય, અકસ્માત મૃત્યુ સહાય, અંત્યેષ્ટિ સહાય, તબીબી સહાય અને અન્ય યોજનાઓ દ્વારા શ્રમિક પરિવારોને મુશ્કેલ સમયમાં આર્થિક સહારો આપવામાં આવે છે. આ યોજનાઓની સહાય સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
હું તમામ શ્રમિક ભાઈઓ અને બહેનોને અપીલ કરું છું કે આ યોજનાઓનો લાભલેવા માટે પોતાનું ઇ-નિર્માણ કાર્ડ કઢાવે અને પાત્રતા મુજબ વિવિધ યોજનાઓનો લાભ મેળવે. શ્રમિકોને સ્વચ્છ, ગુણવત્તાયુક્ત અને સમયસર ભોજન મળે તેની પૂરતી કાળજી રાખે તથા યોજનાની માહિતી વધુમાં વધુ શ્રમિકો સુધી પહોંચાડે. આપણા શ્રમિકો સુખી અને સ્વસ્થ રહેશે તો ગુજરાતનો વિકાસ વધુ મજબૂત બનશે. શ્રમિકોના કલ્યાણ માટે સરકાર સતત પ્રતિબદ્ધ છે.
આ પ્રસંગે આસપાસના ગામોના સરપંચઓ, ઉપસરપંચો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો, આગેવાનો, વડીલો, સબંધિત વિભાગના કર્મચારીઓ, શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા.
