હિન્દ ન્યુઝ, દાહોદ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), મુવાલિયા ફાર્મ, દાહોદ ખાતે ‘આત્મા પ્રોજેક્ટ’ દાહોદ દ્વારા ‘મહિલા કિસાન દિવસ ૨૦૨૬’ ની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે ગ્રામીણ વિસ્તારની મહિલા ખેડૂતોની ક્ષમતાવર્ધન અને કૃષિ ક્ષેત્રે નવીન ટેકનોલોજીથી માહિતગાર કરવાના હેતુથી જિલ્લા અંદર એક દિવસીય ‘પ્રેરણા પ્રવાસ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રેરણા પ્રવાસ દરમિયાન ઉપસ્થિત મહિલા ખેડૂતોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ચાલતી વિવિધ પ્રદર્શનીય પ્રવૃત્તિઓ, જેવી કે નૈસર્ગિક અને પ્રાકૃતિક ખેતી, કિચન ગાર્ડનિંગ (પોષણ વાટિકા), વર્મી કમ્પોસ્ટ (અળસિયાનું ખાતર), પશુપાલન અને મરઘા પાલન તેમજ કૃષિ મૂલ્ય વર્ધન (Value Addition) અંગેનું સ્થળ પર જ પ્રત્યક્ષ નિદર્શન અને તકનીકી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન કૃષિ નિષ્ણાતો દ્વારા ખેતીમાં મહિલાઓનું યોગદાન વધારવા, પ્રાકૃતિક ખેતી અપનાવીને જમીનની ફળદ્રુપતા જાળવવા અને મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે કૃષિ આધારિત ગૃહ ઉદ્યોગો શરૂ કરવા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પ્રવાસમાં જોડાયેલી મહિલાઓએ નવીન કૃષિ પદ્ધતિઓ જોઈને ઉત્સાહ દર્શાવ્યો હતો અને પોતાના ખેતરોમાં આ પદ્ધતિઓ અપનાવવાનો સંકલ્પ કર્યો હતો.
આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ/કર્મચારીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો તેમજ દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં મહિલા ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
