દાહોદ જિલ્લાના ઢઢેલા ખાતે રૂ. ૬.૭૭ કરોડના ખર્ચે નિર્માણ થનાર સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન

હિન્દ ન્યુઝ, દાહોદ 

   દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઢઢેલા ખાતે આરોગ્ય સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી અંદાજિત રૂ. ૬ કરોડ ૭૭ લાખના ખર્ચે નિર્માણ થનાર સામૂહિક આરોગ્ય કેન્દ્રના મકાનનું આજે જિલ્લા પંચાયતના પ્રમુખ ગમાબેન મોહનિયા અને સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

આ સામૂહિક આરોગ્ય કેન્દ્રના નિર્માણથી લીમખેડા તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનશે. સ્થાનિક કક્ષાએ સારવારની સુવિધાઓમાં વધારો થવાથી લોકોને સમયસર આરોગ્ય સેવાઓ મળી રહેશે તેમજ ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓના વિસ્તરણને વેગ મળશે.

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય માળખાને મજબૂત બનાવવા હાથ ધરવામાં આવતાં વિકાસકાર્યો અંતર્ગત ઢઢેલા ખાતે નિર્માણ પામનાર આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારના નાગરિકો માટે આરોગ્ય સુવિધાઓની દૃષ્ટિએ મહત્વપૂર્ણ સાબિત થશે.

આ પ્રસંગે લીમખેડા વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત દાહોદનાં આરોગ્ય સમિતિનાં ચેરમેન શ્રીમતી સુમનબેન એમ. ડામોર તથા લીમખેડા તાલુકા પંચાયતના પ્રમુખ નરવતભાઈ ડાંગી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત , તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, અધિક્ષકશ્રી, મેડિકલ ઓફિસર, આરોગ્ય કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

Leave a Comment