ભાવનગરનો વિક્ટોરિયા પાર્ક ખુલ્લો મુકવામાં આવ્યો

હિન્દ ન્યૂઝ, ભાવનગર,

કોરનાની મહામારીના કારણે વિક્ટોરિયા પાર્ક અનામત જંગલ મુલાકાતીઓ માટે બંધ જાહેર કરવામાં આવેલ હતો. તાજેતરમાં મોટાભાગના પાર્ક ખોલવા અંગે માર્ગદર્શિકા જાહેર થયેલ છે. જે અન્વયે વિક્ટોરિયા પાર્કમાં મુલાકાતીઓને નિયત કરેલ માર્ગદર્શક સિદ્ધાંતોના અમલની શરતે સવારે ૦૬:૦૦ કલાકથી ૦૮:૩૦ કલાક અને સાંજે ૦૪:૦૦ કલાક થી ૦૬:૩૦ કલાક દરમિયાન પ્રવેશ આપવામાં આવશે. આ અંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ક્ષેત્રીય રેન્જ, ભાવનગરે વધુમાં જણાવેલ કે જ્યારે પાર્ક બંધ રાખવામાં આવેલ તે દરમિયાન થયેલ અવલોકનો મુજબ વન્ય જીવોને ખલેલ બંધ થવાના કારણે ખુબજ સુંદર વાતાવરણ નું નિર્માણ તેમના માટે થયેલ અને વન્ય જીવો મુક્તપણે વિહરતા જોવા મળેલ. ચાલુ વર્ષે મેઘરાજા પણ મન મુકીને વરસ્યા છે માટે વરસાદ ખુબજ સારો થવાથી કૃષ્ણ કુંજ તળાવમાં પાણી ભરાયેલ છે. મુલાકાતિઓની ખલેલ ના હોવાના કારણે ખૂબ સરસ હેરોનરી તળાવમાં જોવા મળે છે. આથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે શક્ય હોય ત્યાં સુધી ઓછામાં ઓછા મુલાકાતીઓ આ પાર્કની મુલાકાતે આવે. બંધ સમયગાળા માં લોકો જોગર્સ પાર્કનો ઉપયોગ કરે છે તે શરૂ રાખે અને વિક્ટોરિયા પાર્કની મુલાકાત લે, ત્યારે યોગ્ય સેનીટાઇઝર નો ઉપયોગ કરી, માસ્ક પહેરી, સામાજીક અંતર જાળવીને મુલાકાત લેવા ભાવનગર વન વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે. પાર્કમાં મુલાકાતીઓને પાલન કરવાની શરતો, સુચનો, અંગે માર્ગદર્શક બોર્ડ જવેલ્સ સર્કલ ગેટ અને દિલબહાર પાણીની ટાંકી પાસેના ગેટ પર મુકવામાં આવેલ છે. જેનું ચુસ્તપણે પાલન કરવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ : મયુર જાની, ભાવનગર

Related posts

Leave a Comment