હિન્દ ન્યુઝ, સુરત
ચાઈલ્ડ હેલ્પલાઈન-1098 અને રેલવે સુરક્ષા દળ (RPF)ના સંયુક્ત ઉપક્રમે સુરત રેલવે સ્ટેશન પરિસરમાં બાળ સુરક્ષા અંગે જનજાગૃતિ અભિયાન યોજાયું હતું. જેમાં હેલ્પલાઈનના દીપક જાયસવાલ, દિવ્યા મહાકાલ, સુપરવાઈઝર રિતલ ડામોર, કેસ વર્કર ખુશ્બુ ચૌધરી તેમજ RPFના ઉપનિરીક્ષક આનંદ ગણપત તીપ્પે, ASI પાંડે અને દક્ષાબેનના સહયોગથી યાત્રીઓ, વાલીઓ અને બાળકોને ચાઈલ્ડ હેલ્પલાઈનની વિવિધ સેવાઓ, બાળકો માટેની કલ્યાણકારી યોજનાઓ અંગે વાકેફ કરાયા હતા.
સ્ટેશન પરિસરમાં રાઉન્ડ લઈને કોઈ બાળક ભિક્ષાવૃત્તિ કરતું હોય, પરિવારથી વિખૂટું પડેલું હોય અથવા અન્ય કોઈ જોખમી પરિસ્થિતિમાં હોય તેની ચકાસણી કરાઈ હતી. મુસાફરી દરમિયાન બાળકોનું વિશેષ ધ્યાન રાખવું, તેમને એકલા ન મૂકવા તથા અજાણ્યા વ્યક્તિઓથી સાવચેત રહેવા અંગે મુસાફરો, વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ બાળલગ્ન, બાળમજૂરી, બાળ તસ્કરી, ભિક્ષાવૃત્તિ, ત્યજી દેવાયેલા તથા સંકટગ્રસ્ત બાળકો અંગે તાત્કાલિક 1098 અથવા RPF/GRPનો સંપર્ક કરવા અપીલ કરાઈ હતી.
