વઘઈ–આહવા માર્ગ પર પાણીના ભરાવની સમસ્યાના નિવારણ માટે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા રાઉન્ડ ધ ક્લોક કામગીરી

હિન્દ ન્યુઝ, ડાંગ

    ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા સતત અને ભારે વરસાદને પગલે વઘઈ–આહવા મુખ્ય માર્ગના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવની સ્થિતિ સર્જાતા વાહનવ્યવહારને અસર ન થાય અને માર્ગ સલામત રહે તે માટે ડાંગ માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.

માર્ગ પર વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થઈ શકે તે માટે રોડ સાઇડના વોટરવે, ડ્રેનેજ ચેનલો તથા પાણીના વહેણના માર્ગોની સફાઈ કરવામાં આવી રહી છે. જ્યાં પાણીના નિકાલમાં અવરોધ સર્જાયો હોય તેવા સ્થળોએ મશીનરી અને માનવબળની મદદથી અવરોધ દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. વિભાગ દ્વારા જરૂરી સ્થળોએ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે જેથી વરસાદી પાણી ઝડપથી નીકળી શકે અને માર્ગ પર પાણી ભરાવાની સમસ્યામાં ઘટાડો થાય.

માર્ગ અને મકાન વિભાગ રાજ્યના કાર્યપાલક ઇજનેર કેતન કુંકણાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ મુખ્ય માર્ગો પર ઇમરજન્સી કામગીરી માટે વિશેષ ટીમોની તૈનાતી કરવામાં આવી છે. આ ટીમો રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહી માર્ગોની સતત મોનિટરિંગ કરી રહી છે અને જ્યાં જરૂર જણાય ત્યાં તાત્કાલિક મરામત, સફાઈ તેમજ પાણીના નિકાલની કામગીરી હાથ ધરી રહી છે. ભારે વરસાદ દરમિયાન કોઈપણ પ્રકારની માર્ગ અવરોધની સ્થિતિ ઊભી થાય તો તેનો ઝડપી ઉકેલ લાવવા માટે જરૂરી સાધનો અને મશીનરી પણ તૈયાર રાખવામાં આવી છે. વિભાગના અધિકારીઓ દ્વારા સતત સ્થળ મુલાકાતો લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે તેમજ વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. 

ડાંગ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, ભારે વરસાદ દરમિયાન જરૂરી સાવચેતી રાખી મુસાફરી કરે, માર્ગ પર પાણી ભરાયેલ હોય તેવા સ્થળોએ વાહનની ગતિ નિયંત્રિત રાખે તથા વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે.

ડાંગ માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા વરસાદી મોસમ દરમિયાન જિલ્લાના માર્ગો સલામત અને અવરજવરયોગ્ય રહે તે માટે સતત દેખરેખ સાથે જરૂરી તમામ કામગીરી કરવામાં આવી રહી છે, જેથી નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને વાહનવ્યવહાર સુચારુ રીતે ચાલુ રહી શકે.

Related posts

Leave a Comment