હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
જિલ્લાના કોઠારી ગામ ખાતે ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની અધ્યક્ષ સ્થાને”વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ હતી.સૌ પ્રથમ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ કોઠારી ગામ ખાતે આવી પહોંચતા બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું. ઉપરાંત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો.
“વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તેમજ આ યોજનાઓની મહત્તમ જાણકારી મળી રહે તેવા આશય સાથે ગીર સોમનાથ જિલ્લામાં ભ્રમણ કરી રહી છે. જેના ભાગરૂપે ઉના તાલુકાના કોઠારી ગામ ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમા મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળના આયુષ્માન કાર્ડ સહિતની યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી જુબાની” થીમ હેઠળ પોતાને મળેલા યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા.
ઉપરાંત કાર્યક્રમમાં આરોગ્ય કેમ્પમાં ટીબી સહિતની તપાસ કરવામાં આવી હતી તેમજ સોઈલ હેલ્થ કાર્ડ નિદર્શન તથા જૈવિક ખેતી કરતા ખેડૂત સાથે સંવાદ પણ સાધવામાં આવ્યો હતો. અને ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી અને કાર્યક્રમનાં અંતે ‘વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી. અને ડ્રોન નિદર્શન કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, સહિતના પ્રતિનિધિ તેમજ ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
