હિન્દ ન્યુઝ, ઉમરેઠ
કમિશનર, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રેરિત અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, આણંદ દ્વારા તાજેતરમાં ઉમરેઠના બ્લોક રિસોર્સ સેન્ટર ખાતે ‘કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩’ વિષય પર એક મહત્વપૂર્ણ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ પ્રાસંગિક ઉદબોધન આપતા મહિલાઓના કાર્યસ્થળે સુરક્ષા અને ગરિમા જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. સેમિનારમાં ડી.એલ.એસ.એ. એડવોકેટ ગોપીબેન મહેતાએ ઉપસ્થિત મહિલાઓને જાતીય સતામણી વિરોધી કાયદાની વિવિધ કલમો અને કાયદાકીય પ્રક્રિયાઓ વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી, જેથી મહિલાઓ પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બની શકે.
જેન્ડર સ્પેશિયાલિસ્ટ હિતેશકુમાર રોહિત દ્વારા બેટી બચાવો બેટી પઢાવો, વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અને મહિલા સ્વાવલંબન જેવી યોજનાઓની વિગતો રજૂ કરવામાં આવી હતી. આ સાથે જ સખી વન સ્ટોપ સેન્ટરના કેસ વર્કર રિપલબેન ડાભી અને પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર શબનમબેન ખલીફાએ પીડિત મહિલાઓને મળતી તાત્કાલિક મદદ અને સુરક્ષા વ્યવસ્થા વિશે માહિતી આપી હતી.
વીએમકે કેન્દ્રના સંચાલક જલ્પાબેન શાહે વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રની પ્રવૃત્તિઓ જણાવી આભારવિધિ કરી હતી.
આ સેમિનારમાં આશા વર્કર્સ, ફીમેલ હેલ્થ વર્કર્સ અને આઈ.સી.ડી.એસ. વિભાગના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં મહિલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.
