જૂનાગઢની કચેરી દ્વારા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલાઓને તબીબી સહાય, હંગામી આશ્રય, કાયદાકીય સહાય, પોલીસ સહાય તેમજ પરામર્શ સહિતની સેવાઓ આપવામાં આવી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

     જિલ્લા મહિલા અને બાળ અધિકારી જૂનાગઢની કચેરી દ્વારા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલાઓને તબીબી સહાય, હંગામી આશ્રય, કાયદાકીય સહાય, પોલીસ સહાય તેમજ પરામર્શ સહિતની સેવાઓ આપવામાં આવે છે. મહિલા અને બાળ અધિકારી સી. જી. સોજીત્રા તથા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી બી. ડી. ભાડના માર્ગદર્શન હેઠળ સેન્ટર લેબર કોર્ટ, હાથીખાના ચોક, જૂનાગઢ ખાતે ૨૪ કલાક કાર્યરત છે.

તાજેતરમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન મારફતે એક અરજદાર બહેન સખી વન સ્ટોપ સેન્ટર, જૂનાગઢ ખાતે આવ્યા હતા. અરજદાર બહેનનો એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ યુવકની ઉંમર કાયદેસર લગ્ન વય કરતાં ઓછી હોવાથી તથા પરિવારની અસહમતિના કારણે પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી. અરજદાર બહેન પિતા સાથે રહેવા માટે પણ તૈયાર ન હતા.

અરજદાર બહેનની સુરક્ષા અને હિતને ધ્યાનમાં રાખી તેમને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે તાત્કાલિક આશ્રય આપવામાં આવ્યો. સેન્ટરના કર્મચારીઓ દ્વારા તેમનું ઊંડાણપૂર્વક કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને કાયદાકીય સ્થિતિ અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ ઉપરાંત પરિવારજનોનો સંપર્ક સાધી તેમને સેન્ટર ખાતે બોલાવવામાં આવ્યા. બંને પક્ષોના કાઉન્સેલિંગ બાદ પરિસ્થિતિનું સુખદ અને સહમતિપૂર્ણ સમાધાન થયું. અંતે અરજદાર બહેને રાજીખુશીથી પોતાના પરિવાર સાથે ઘરે જવાનો નિર્ણય કર્યો. આ પ્રસંગે પરિવારજનો દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરી બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

Related posts

Leave a Comment