હિન્દ ન્યુઝ, જૂનાગઢ
પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાઅભિયાન (PM-KUSUM) યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ગ્રીડ વીજળી વિનાના વિસ્તારોમાં ૫૦ ખેડૂતોને સોલાર પંપ સેટ આપવામાં આવ્યા છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) અને સ્થાનિક વીજ કંપનીઓ દ્વારા અમલમાં મૂકાયેલી આ યોજના ખાસ કરીને જંગલ અને અંતરિયાળ સીમ વિસ્તારોના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની છે.
ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ તથા કેન્દ્ર સરકારના અક્ષય ઊર્જા મંત્રાલય (MNRE) ની માર્ગદર્શિકા હેઠળ પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાઅભિયાન (PM-KUSUM) યોજના કોમ્પોનન્ટ-B અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના માટે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) ને ‘સ્ટેટ નોડલ એજન્સી’ તરીકે નીમવામાં આવી છે અને સ્થાનિક વીજ વિતરણ કંપનીઓ દ્વારા તેની સફળ અમલવારી કરવામાં આવી રહી છે. આ યોજનાનો મુખ્ય હેતુ જે વિસ્તારોમાં વીજળીનું ગ્રીડ કનેક્શન ઉપલબ્ધ નથી અથવા ટેકનિકલી અને કોમર્શિયલી વીજ જોડાણ આપવું વાસ્તવિક રીતે શક્ય નથી (જેમ કે દૂર-સુદૂરના સીમ વિસ્તારો, જંગલ વિસ્તાર, ખેત તલાવડી વગેરે), ત્યાં ડીઝલ પંપ સેટ પર નિર્ભર ખેડૂતોને સ્ટેન્ડ એલોન સોલાર એગ્રીકલ્ચર પંપ સ્થાપિત કરી આપી સિંચાઈની ઉત્તમ સુવિધા પૂરી પાડવાનો છે.
આ યોજના હેઠળ ૧ એચ.પી. થી લઈને ૧૦ એચ.પી. સુધીના DC તથા AC સબમર્સિબલ અને સરફેસ સોલાર પંપ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જૂનાગઢ સર્કલમાં અત્યાર સુધીમાં ૫૯ લાભાર્થીઓ આ યોજના હેઠળ સોલર પંપ સેટ મેળવીને સિંચાઈની સુવિધાનો સફળતાપૂર્વક લાભ લઈ રહ્યા છે.
આ યોજનામાં નાના અને સીમાંત ખેડૂતો (૨ હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતો) ને અરજી કરતી વખતે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાથી ખાસ અગ્રતા આપવામાં આવે છે. આ ઉપરાંત, પાણીનો બગાડ અટકાવવા માટે જે ખેડૂતો સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ (ટપક કે ફુવારા સિસ્ટમ) નો ઉપયોગ કરે છે અથવા યોજનામાં જોડાનાર છે તેમને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે. આમ, PM KUSUM યોજના ઓફ-ગ્રીડ વિસ્તારના ખેડૂતો માટે આર્થિક બોજ ઘટાડી ખેતીને વધુ સમૃદ્ધ અને આત્મનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાઅભિયાન (પીએમ કુસુમ-બી) યોજના હેઠળ જૂનાગઢ વર્તુળ કચેરી હેઠળના વિસ્તારોમાં (વિભાગીય કચેરી ૧ માં ૩૮, વિભાગીય કચેરી – ૨ માં ૧૨ અને વેરાવળ વિભાગીય કચેરીમાં ૯ મળીને) કુલ ૫૯ સ્ટેન્ડ એલોન ઓફગ્રીડ સોલાર પંપ સેટ કાર્યરત કરવામાં આવ્યા છે.
નાયબ ઇજનેર ડી.એન. રૂપારેલિયાના જણાવ્યા અનુસાર, આ યોજનાનો મુખ્ય હેતુ ગ્રીડ વીજ પુરવઠો ઉપલબ્ધ ન હોય તેવા વિસ્તારોમાં પીયત માટે વપરાતા ડીઝલ પંપસેટને સોલાર સિંચાઈ પંપસેટથી બદલવાનો છે, જેમાં સામાન્ય રીતે ૩૦% કેન્દ્ર સરકારની સબસીડી, ૩૦% રાજ્ય સરકારની સબસીડી અને ૪૦% ખર્ચ ખેડૂતે ભોગવવાનો રહે છે.
આ ઉપરાંત, જંગલ જેવા વિસ્તારો કે જ્યાં ગ્રીડ વીજ જોડાણ આપવું ટેકનિકલી કે કોમર્શિયલી શક્ય નથી ત્યાં નિયમ મુજબ માત્ર ફિક્સ ચાર્જ ભરવાનો હોય છે.
જ્યારે એસસી અને એસટી અરજદારોએ કોઈપણ જાતનો ચાર્જ ભરવાનો હોતો નથી.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ સુશાસનને ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસર પર ગુજરાત સરકાર દ્વારા રાજ્યવ્યાપી સેવા સંકલ્પ અભિયાન માધ્યમથી ઉજવણી કરવામાં આવી રહી છે. જે નિમિત્તે જનસેવા અને પ્રજાલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
પીએમ કુસુમ યોજનાથી કાઠાળા નેસ વિસ્તારમાં રહેતા ખેડૂત ભરતભાઈના ખેતરમાં સિંચાઈની સમસ્યાનો કાયમી ઉકેલ
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં આવેલ જંગલ વિસ્તારમાં આવેલ કાઠાળા નેસના રહેવાસી કરમટા ભરતભાઇ મૂળુભાઈ માટે પીએમ કુસુમ યોજના અંતર્ગત મળેલો સોલાર પંપ આશીર્વાદરૂપ સાબિત થયો છે. પહેલાં તેઓ સિંચાઈ માટે ડીઝલ મશીન પર નિર્ભર હતા અને વિસ્તાર જંગલમાં હોવાથી ત્યાં સામાન્ય વીજ લાઈન પહોંચવી અશક્ય હતી. પરંતુ છેલ્લા એક વર્ષથી સોલાર પ્લાન્ટ શરૂ થતાં તેમને દિવસ દરમિયાન મફત અને સુલભ વીજળી મળી રહી છે, જેનાથી પાકને સમયસર પાણી આપવામાં ખૂબ જ મોટો ફાયદો થયો છે. વીજ જોડાણ વગરના અંતરિયાળ જંગલ વિસ્તારમાં આધુનિક સોલાર સુવિધા પૂરી પાડવા બદલ તેમણે સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
